મહિલાને ફરિયાદ દાખલ કરાવવા માટે રાજ્ય પોલીસ વડા પાસે જવું પડયું હતું
ફરિયાદ કરાવવા પાછળ કોણ છે, તેની તપાસ પોલીસે કરતા નિર્દોષ લોકો આરોપીઓના ટાર્ગેટ પર આવી ગયા
ખંડણીખોરો સામે મકરપુરા પોલીસની કૂણી લાગણી
વડોદરા,મકરપુરા પોલીસ ખંડણીખોરોનો શરૃઆતથી જ બચાવ કરતી આવી છે. અગાઉ મહિલા પાસે રૃપિયા ઉઘરાવી તેમજ મહિલાનો નગ્ન વીડિયો વાયરલ કરવાના કેસમાં પણ છેક રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કર્યા પછી મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મહિલાની ફરિયાદ દાખલ કરી તપાસ શરૃ કરવાના બદલે મહિલાને ફરિયાદ કરવા માટે કોણે તૈયાર કરી તે માટે પોલીસ દબાણ કરતી હતી. પોલીસની આવી કામગીરીના કારણે હવે અન્ય નિર્દોષ લોકોને ધમકીઓ મળી રહી છે.
જાંબુવા વિસ્તારમાં રહેતી મહિલા જુગારનો ધંધો કરતી હોવાથી પત્રકારના ઓથા હેઠળ તેની પાસે પૈસા પડાવવામાં આવતા હતા. મહિલા પાસે પૈસા નહી હોવાથી તેણે ઇનકાર કરતા ખંડણીખોરોએ તેને ધમકી આપી હતી. તેઓના ત્રાસથી નિર્વસ્ત્ર થઇ ગયેલી મહિલાનો વીડિયો ઉતારી આરોપીઓએ વાયરલ કરી દીધો હતો. જ ેઅંગે મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પરંતુ, પી.આઇ. જે.એન. પરમાર અરજીની યોગ્ય તપાસ કરવાની જગ્યાએ એક જ વાત પૂછતા રહ્યા કે, તને કોણે ફરિયાદ કરવા માટે ચઢામણી કરી ? મહિલા કહેતી રહી કે, મને કોઇએ ચઢામણી કરી નથી. પરંતુ, પોલીસ સતત તેના પર દબાણ કરતી હતી. પોલીસના આવા વર્તનના કારણે કેટલાક નિર્દોષ લોકોના નામ ખંડણીખોરો પાસે પહોંચી ગયા હતા. અને ખંડણીખોરોએ તેવા લોકોનો સંપર્ક કરી ધમકાવી તેઓ પાસે પણ ખંડણી માંગવાનું શરૃ કર્યુ હતું.
તેવા જ એક કિસ્સામાં ગઇકાલે આશિષ બારોટ નામના વિઝા કન્સલ્ટન્ટે પણ અગાઉના કેસમાં જામીન પર એક જ દિવસમાં છૂટી ગયેલા અક્ષય સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આશિષે સ્પષ્ટ લખાવ્યું છે કે, મારા મિત્રો થકી પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી.તેમ છતાંય પોલીસે ખંડણીની કલમ ફરિયાદમાં લગાવી નહતી. તેણે એવી દહેશત વ્યક્ત કરી છે કે, આરોપીઓ મને કોઇ ખોટા કેસમાં ફસાવી દેશે.