મહિલાએ પોલીસને કોલ કર્યો કે, મારા પતિ દારૃની પાર્ટીમાં છે
પોલીસે સ્થળ પર જઇને ચેક કર્યુ તો બે નશેબાજ મિત્રો મળી આવ્યા
વડોદરા,બાપોદ જય અંબે સ્કૂલ પાસે રાધે રત્નમ ફ્લેટની સામે સિદ્ધનાથ પેરેડાઇઝમાંથી પોલીસે બે નશેબાજ મિત્રોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઇકાલે બપોરે એક મહિલાએ પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરીને મેસેજ આપ્યો હતો કે, બાપોદ જય અંબે સ્કૂલ પાસે રાધે રત્નમ ફ્લેટની સામે સિદ્ધનાથ પેરેડાઇઝમાં દારૃની પાર્ટી ચાલે છે. મારા પતિ ત્યાં છે. પાર્ટીમાં છોકરીઓને પણ બોલાવી છે. જેથી,પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા બે વ્યક્તિઓ નશાની હાલતમાં જણાઇ આવતા તેઓને પકડી બાપોદ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. પોલીસે (૧) જયદિપ જશભાઇ પટેલ તથા (૨) હિમેશ ઘનશ્યામભાઇ પટેલ ( બંને રહે. સિદ્ધનાથ પેરેડાઇઝ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓ ડ્રાઇવિંગ કરે છે. પોલીસને કોઇ છોકરીઓ કે દારૃની બોટલ મળી નહતી.