વહૂએ સાસુને બચાવીઃલકવાગ્રસ્ત વૃધ્ધ માતાનું આશીકાથી મોં દબાવવા જતા પતિને પાઠ ભણાવ્યો
વડોદરાઃ પથારીવશ વૃધ્ધ માતાની ચાકરી કરી કંટાળેલા પુત્રએ આશીકા વડે માતાનું મોં દબાવી દેવાનો પ્રયાસ કરતાં પુત્રવધૂએ અભયમની મદદ લઇ સાસુને બચાવી હતી.
છાણી વિસ્તારમાં પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતી એક વૃધ્ધા લાંબાસમયથી લકવાગ્રસ્ત હોવાથી તેની ચાકરી કરતો પુત્ર કંટાળી ગયો હતો અને નશામાં ચૂર થઇ પરિવારજનો સાથે તકરાર કરતો હતો.પુત્રએ મારી પાસે પૈસા નથી,હું મા ને નહિં રાખું તેમ કહી બહેનોને પણ હેરાન કરતો હતો.
ગઇકાલે પુત્ર આવેશમાં આવી ગયો હતો અને ઓશીકું લઇ પથારીવશ માતાનું મોં દબાવવા જતો હતો ત્યારે પુત્રવધૂએ તેને રોકીને માતા પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે સમજાવ્યો હતો.જેથી પતિએ તેની સાથે પણ ઝઘડો કર્યો હતો.
પતિ કાંઇ પણ કરી બેસે તેમ લાગતાં પુત્રવધૂએ અભયમની મદદ લીધી હતી.પોલીસ સાથે આવી ગયેલી ટીમે પુત્રનું કાઉન્સેલિંગ કરી મોટો અપરાધ કરી રહ્યો હોવાનું જણાવતાં તેણે લેખિતમાં માફી માંગી હતી અને માતાની સેવા અને સારવાર કરાવશે તેવી બાંહેધરી આપી હતી.