તાંદલજાનો યુવક બીજા લગ્ન કરે તે પહેલાં જ પ્રથમ પત્નીએ ઝેર પીધું
પતિએ વકીલ ની નોટિસથી ત્રિપલ તલાક આપ્યા હતાં ઃ પતિના બીજા લગ્નની પત્રિકા મળી અને ઝેર પી લીધું
ભરૃચ તા.૨ વડોદરાના તાંદલજા ગામે રહેતા પરિણીત યુવકે વકીલની નોટીસ મારફતે ત્રિપલ તલાકની નોટિસ આપી પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા હોવાનું કહી બીજા લગ્નની છપાવેલી પત્રિકા પ્રથમ પત્નીના હાથમાં પહોંચતા પ્રથમ પત્નીએ ઝેરી દવા ગટગટાવી લેતા બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
ભરૃચ જિલ્લાના અંકલેશ્વર પંથકના કાપોદ્રા ગામે મામાના ઘરે રહેતી નીલોફર કડીવાલાના વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા આદિલ સાથે વર્ષ ૨૦૨૧માં લગ્ન થયા હતાં. લગ્ન બાદ દંપતી વચ્ચે અણબનાવના કારણે નીલોફર મામાના ઘરે રહેતી હતી. દરમિયાન આદિલે વડોદરાના તાંદલજા ખાતે રહેતી કરિશ્મા નામની યુવતી સાથે લગ્ન કરવા માટે પત્રિકા પ્રસિદ્ધ કરાવી હતી અને આ પત્રિકા પ્રથમ પત્ની નીલોફરના હાથમાં આવી જતા ન્યાય નહીં મળે તેવી આશા સાથે ઝેરી દવા ગટગટાવી લેતા તેના મામાએ તેણીને ૧૦૮ મારફતે સારવાર માટે ભરૃચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
ઉલ્લેખનીય છે કે નીલોફરના છૂટાછેડા ન થાય ત્યાં સુધી તેનો પતિ બીજો સંસાર ના કરી શકે પરંતુ પતિના બીજા લગ્નની પત્રિકા સામે આવતાં નીલોફર છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી. ઝેરી દવા ગટગટાવનાર પાસેથી એક પત્રિકા મળી હતી. જેમાં તેના પતિએ બીજા લગ્ન કરવા માટે પત્રિકા પ્રસિદ્ધ કરાવી હોય અને આ પત્રિકામાં આવતીકાલ એટલે ત્રણ માર્ચના રોજ લગ્નનો ઉલ્લેખ હતો.