નડિયાદની હોસ્પિટલના ઢાળ પાસે 38 કલાકે પણ પાણી ઓસર્યા નહીં
પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ
વીકેવી રોડ ઉપર પાણી ભરાયેલા રહેતા લોકો અટવાયા ખેડા, માતર અને વસોમાં એકથી દોઢ ઈંચ વરસાદ
નડિયાદ: નડિયાદમાં સોમવારે વરસાદમાં પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં હોસ્પિટલના ઢાળ પાસે ૩૮ કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. ઉપરાંત વી.કે.વી. રોડ ઉપર પણ પાણી ભરાયેલા છે. જ્યારે મંગળવારે ખેડા, માતર અને વસોમાં ૧થી ૧.૫૦ ઈંચ વરસાદ પડયો હતો. તેમજ નડિયાદમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો.
નડિયાદ શહેરમાં પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત જવાબદાર ઈજનેરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા વેઠ ઉતારવામાં આવી છે. સોમવારે મોડી રાતથી વહેલી સવાર સુધી અવિરત વરસાદ રહ્યો હતો અને ગરનાળા છલકાઈ ગયા હતા. ગરનાળાના પાણી કલાકોમાં જ નિકાલ થઈ જતો હોવાનો દાવો થઈ રહ્યો હતો. જો કે, આ ગરનાળાના પાણી સોમવારે મોડી રાતે ઓસર્યા હતા.
આ તરફ શહેરના વી.કે.વી. રોડ પર તો મંગળવારની વહેલી સવારે ૧૧ વાગ્યા સુધી પાણી ભરાયેલા હતા અને શૈશવ હોસ્પિટલના ઢાળ પાસે રબારીવાસ જવાના રસ્તે તો મોડી સાંજે ૬ વાગ્યા સુધી એટલે ૩૮ કલાકથી અત્રે પાણી ભરાઈ રહેલું છે. જેથી પાણીનો ઝડપી નિકાલ ન થતા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠયા છે.
મંગળવારે વરસાદ ખૂબ સામાન્ય રહ્યો હતો. માત્ર ખેડા, માતર અને વસોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં ખેડામાં પોણા બે ઈંચ જ્યારે વસો અને માતરમાં ૧-૧ ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ નડિયાદમાં મંગળવારે અડધો ઈંચ વરસાદ પડયો છે અને અન્ય તાલુકાઓમાં ખૂબ સામાન્ય વરસાદ નોંધાયો છે.