નવી કલેક્ટર કચેરીને એક મહિનો નથી થયો અને વોશરૃમના નળો તૂટયા
રૃા.૨૨ કરોડનો ખર્ચ કર્યા બાદ ધીમે ધીમે બહાર આવતી ખામીઓ ઃ વોશરૃમની બહાર ફેલાતી ગંદકી
વડોદરા, તા.4 વડોદરાની નવી કલેક્ટર કચેરીને શરૃ થયાને એક મહિનો પણ પૂરો થયો ન હતો અને આ કચેરીના વોશરૃમમાં પાણી આવતું બંધ થઇ ગયું છે. વોશરૃમના નળો પણ બગડી જતા હલકી કક્ષાના મટિરિયલનો ઉપયોગ થયો હોય તેવી બૂમો કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઊઠી છે.
ઉલ્લેખનીય છે કે તા.૩ માર્ચના રોજ નવી કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન થયું હતું. રૃા.૨૨ કરોડના ખર્ચે પાંચ વર્ષે દિવાળીપુરા ખાતે વેક્સિન ખાતેની જમીનમાં તૈયાર થયેલી આ કચેરી બાદમાં કોઠી કચેરીના બદલે નવા સ્થળે જ ખસેડીને ત્યાં જ કામકાજ શરૃ કરી દેવામાં આવ્યું હતું. ઉદ્ધાટનના આગલા દિવસે જ મુખ્ય ગેટની પાસે ટાઇલ્સ તૂટી જવાથી નવી ટાઇલ્સ બેસાડવાની ઘટના બાદ કચેરીમાં ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ અંગે શંકાઓ ઉપજી હતી.
જે.પી. રોડ ખાતેની નવી કલેક્ટર કચેરીને હજી એક મહિનો પણ થયો ન હતો અને પ્રથમ માળે જમીન સુધારણા ઓફિસના પ્રાંગણમાં આવેલા વોશરૃમમાં પાણી આવતું છેલ્લા કેટલાંય દિવસોથી બંધ થઇ ગયું છે. નળ પણ તૂટી ગયા હોય તેવી હાલત જણાય છે. ખામીવાળા કામના કારણે કર્મચારીઓથી માંડી અરજદારોને હેરાન પરેશાન થવું પડે છે. મહત્વની બાબત એ છે કે વોશરૃમની બહાર ગંદકી પણ ફેલાયેલી રહેતી હોય છે. સફાઇ કર્મચારીઓ કચેરીમાં ટહેલતાં રહે છે.
નવી કલેકટર કચેરીનું બાંધકામ કેવું છે તેની ખબર ચોમાસાની ઋતુંમાં પડશે. આ કચેરીમાં અન્ય ખામી એ છે કે અરજદારોને પ્રવેશદ્વાર પાસે બેસવા માટે જગ્યા ફાળવવામાં આવી છે તે સ્થળે કોઇ પંખા નથી જેથી સખત ગરમી લોકોને સહન કરવી પડે છે.