વડોદરામાં બંધ જર્જરિત મકાનની દીવાલ તૂટતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ, મોટી દુર્ઘટના ટળી
Vadodara Wall Collapse : વડોદરા શહેરના કાલુપુરા સુધરાઈ સ્ટોર પાસે લીંબડી ફળિયાના બંધ મકાનની દિવાલ તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે કોઈ વ્યક્તિ હાજર નહિ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
વડોદરા શહેરમાં મેઘરાજાએ મન મુકીને વરસતા ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ વરસાદમાં જર્જરિત મકાનો, સ્લેબ, ઝાડ, હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાત્રે 12:25 કલાકની આસપાસ કાળુપુરા સુધરાઈ સ્ટોર પાસે આવેલા લીંબડી ફળિયાના એક બંધ મકાનની દિવાલ તૂટી પડી હતી. દીવાલ તૂટવાના અવાજથી સ્થાનિક લોકો ભયભીત થયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નહિ થતા રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરામાં વરસાદ અને તેજ પવનોને કારણે મકાનો ધરાશાયી થવા, હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે.
હાલમાં જ સલાટવાડામાં આવેલું વર્ષો જુનું જર્જરિત મકાન મોડી રાત્રે તૂટી પડતા સાત લોકો ફસાયા હતા જ્યારે એક વૃદ્ધ દબાઈ ગયા હોવાની વાતને લઈ ફાયબ્રિગેડ મોડી રાત સુધી કામગીરી કરી હતી. તેવામાં શુક્રવારે 12:25 કલાકની આસપાસ જેસીંગભાઇ મકવાણાએ સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં વર્ધી નોંધાવી હતી કે, સુધરાઈ સ્ટોરની સામે આવેલી લીમડી ફળિયાના નાકે બંધ મકાનની દિવાલ તૂટી પડી છે. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.