આગરવા ગામનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોને ભારે હાલાકી

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
આગરવા ગામનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોને ભારે હાલાકી 1 - image


- ઝાડી-ઝાંખરાના કારણે અકસ્માતના બનાવ

- આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત 8 હજારની વસ્તીને અસર 

સેવાલિયા : ઠાસરા તાલુકાના આગરવા ગામમાં ઠેર ઠેર રસ્તા પર ખાડાઓ પડી જતાં અકસ્માતના બનાવો સામે આવી રહ્યાં છે. તેવામાં ૮ હજારની વસ્તીને અસર કરતા આ માર્ગનું રિપેરિંગ અથવા નવિનિકરણ કરાવવા માંગ ઉઠી છે. 

ઠાસરા તાલુકાના આગરવા ગામથી આગરવા ફાટક સુધીનો રસ્તો બિસ્માર બન્યો છે. વર્ષ ૨૦૧૧માં બનાવવામાં આવેલા ડામર રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે, તેમજ ડામર પણ ઉખડી ગયો હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. 

ઉપરાંત રસ્તો સાંકડો તથા રસ્તાની બન્ને તરફ ઝાડી-ઝાંખરાના કારણે અવાનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. આગરવાના પેટા પરા જેમ કે, નાટી, આગરવાના મુવાજા, ડુંગની મુવાડી, લક્ષ્મીપૂરા તેમજ ગુમાડિયા ગામને જોડતો રસ્તો હોવાથી આસપાસના ગ્રામજનોને પણ હાલાકી વેઠવી પડી રહી છે. 

ત્યારે આઠ હજારની વસ્તી ધરાવતા ગામના ગ્રામજનોને નવો રસ્તો બનાવી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.  


Google NewsGoogle News