ધુળેટીના દિવસે રેડ કરી અને લોકો ઉશ્કેરાયા વિજિલન્સના માણસોને નકલી પોલીસ માની લોકોએ ઘેરી લીધા
અલવા ગામે લોકો રોષે ભરાયા અને ભરબપોરે પોલીસને દોડાદોડી થઇ ઃ એક શખ્સને માર માર્યાનો આક્ષેપ
વડોદરા, તા.26 વડોદરા શહેર અને જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફના કેટલાંક માણસોની દાદાગીરીના એક મહિનામાં બે ઉદાહરણો સામે આવ્યા છે. ધુળેટીના દિવસે વડોદરા નજીક આવેલા અલવા ગામે એક કોન્સ્ટેબલ ખાનગી માણસો સાથે દરોડો પાડવા ગયા બાદ ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ કોન્સ્ટેબલ તેમજ ખાનગી માણસોને ઘેરી લીધા હતાં. જો કે વધુ પરિસ્થિતિ બગડે તે પહેલાં સ્થાનિક પોલીસે દોડી આવી મામલો થાળે પાડયો હતો.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયા તાલુકાના અલવા ગામે ગઇકાલે બપોરે એસએમસીનો એક કોન્સ્ટેબલ તેના ત્રણ ખાનગી માણસો સાથે પહોંચી ગયો હતો. આ વખતે એક શખ્સને ઝડપી પાડી તેને બેઝબોલની સ્ટીકથી માર મારતાં લોકો ભેગા થઇ ગયા હતાં. સ્થાનિક લોકોને એમ લાગ્યું કે નકલી પોલીસ આવી છે જેથી કોન્સ્ટેબલ સહિત ચારેય શખ્સોને ઘેરી લીધા હતાં. આ વખતે મામલો ખૂબ ગંભીર બની ગયો હતો. એક તબક્કે બચવા માટે કોન્સ્ટેબલ તેમજ તેના ખાનગી માણસોએ હવાતિયા માર્યા હતાં.
શરૃઆતમાં કોઇ અધિકારી વગર જ અલવા ગામે પહોંચી ગયેલા આ કોન્સ્ટેબલ તેમજ તેની સાથેના માણસોને લોકોએ નકલી પોલીસ માની લીધા હતા અને તેના કારણે સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડયું હતું. ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતાં કે પોલીસ પાસે સામાન્ય રીતે પ્લાસ્ટિકનો દંડો હોય છે પરંતુ આ લોકો પાસે બેઝબોલની સ્ટીક હતી. બિનસત્તાવાર માહિતી પ્રમાણે સ્થાનિક લોકોએ નકલી પોલીસ માની એસએમસીના કોન્સ્ટેબલ તેમજ તેના માણસોને એક રૃમમાં પૂરી દીધા હતાં.
આ ઘટના અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા આઇપીએસ જયવીરસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે વિજિલન્સના માણસો ખાનગી યુનિફોર્મમાં આવ્યા હતા જેથી સ્થાનિક લોકોને શંકા ગઇ હતી અને તેઓની પાસે આઇકાર્ડ માંગ્યું હતું. આઇકાર્ડ બતાવ્યા બાદ પોલીસે દારૃના પઝેશનનો કેસ કર્યો હતો.