કરોડોના વિકાસના કામો કરતી વડોદરા તાલુકા પંચાયત સુધી વિકાસ ક્યારે પહોંચશે...હજી ભાડાના મકાનમાં ઓફિસ
વડોદરાઃ વડોદરા તાલુકા પંચાયતની કચેરીમાં કરોડોના વિકાસના કામો કરવામાં આવે છે પરંતુ ખુદનો વિકાસ થઇ શક્યો નથી.જેને કારણે છેલ્લા દસ વર્ષથી તાલુકા પંચાયતની કચેરી ભાડાના મકાનમાં જ ચાલી રહી છે.
વડોદરા તાલુકા પંચાયતની કચેરી પહેલાં પાણીગેટ ભદ્રકચેરી ખાતે હતી.પરંતુ ત્યારબાદ રાજમહેલ રોડ ખાતે વડોદરા જિલ્લા પંચાયતનું બહુમાળી ભવન બનતાં તાલુકા પંચાયતની કચેરીનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
શરૃઆતમાં જિલ્લા પંચાયતે જગ્યા નહિં ફાળવતાં વડોદરા તાલુકા પંચાયતની કચેરી નર્મદા ભુવન ખાતે લઇ જવાઇ હતી.પરંતુ ત્યારબાદ ત્યાં ફાવટ નહિં આવતાં કચેરી જિલ્લા પંચાયતના બહુમાળી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લઇ જવાઇ હતી.
જિલ્લા પંચાયત દ્વારા ભાડું વસૂલવા માટે નિર્ણય લેવાયો હતો.પરંતુ જે તે વખતે કોંગ્રેસનું શાસન હોવાથી તેમણે ભાડું વસૂલવાનો વિરોધ કર્યો હતો.ત્યારબાદ ભાજપનું શાસન આવતાં ફરીથી તાલુકા પંચાયત પાસે માસિક રૃ.૩૧ હજાર ભાડું નક્કી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અલાયદું વીજ મીટર પણ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.પરંતુ હજી સુધી આ ઠરાવનો અમલ કરવામાં આવ્યો નથી.