એમ.એસ. યુનિવર્સિટી હેડ ઓફિસનો ગેટ સાંજના 7 વાગ્યે બંધ કરાતા હોબાળો
હેડ ઓફિસને અડીને જ આવેલા હોસ્ટેલ કેમ્પસમાં રહેતા સેંકડો વિદ્યાર્થીઓને ગેટ બંધ થતાં અઢી કિ.મી.નો ફેરો ફરીને હોસ્ટેલ જવું પડે છે
વડોદરા :એમ.એસ.યુનિવર્સિટી ખાનગી મિલકત હોય અને સત્તાધીશો તેના માલિક હોય તે રીતે વર્તન કરતા હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઇ ગયા અને શિક્ષણ વ્યવસ્થા પણ ખાડામાં ગઇ છે. કાયમ વિવાદનું કેન્દ્ર બનતી એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય દરવાજા પાસે આજે મોડી રાત્રે સેંકડો વિદ્યાર્થીઓ એકઠા થઇ ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિદ્યાર્થીઓએ સોમવારે મોડી રાત્રે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો
મુદ્દો વિદ્યાર્થીઓને હેરાન કરવાનો હતો. દાયકાઓથી યુનિવર્સિટી હેડ ઓફિસનો મુખ્ય ગેટ રાતના ૧૧ વાગ્યા પછી બંધ થાય છે. છેલ્લા બે દિવસથી ગેટ સાંજના ૭ વાગ્યે જ બંધ કરી દેવાય છે. યુનિવર્સિટી હેડ ઓફિસને અડીને જ બોયઝ હોસ્ટેલ કેમ્પસ આવેલુ છે એટલે વિદ્યાર્થીઓને જો હોસ્ટેલમાંથી પોલીટેકનિક કોલેજ, કોમર્સ કોલેજ, ફતેગંજ બ્રિજ તરફ આવવુ હોય તો હેડ ઓફિસના રસ્તેથી જ આવ જા કરે છે કેમ કે હોસ્ટેલ અને ફતેગંજ બ્રિજ વચ્ચેનું અંતર આ માર્ગે માત્ર ૩૦૦ મીટર છે. હોસ્ટેેલ કેમ્પસમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ રાત્રી ભોજન માટે પોલીટેકનિકલ કોલેજ પાસે આવેલ આર.ટી.હોલમાં આવેલી મેસમાં જમવા માટે જાય છે.
છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ આર.ટી.હોલમાંથી જમીને પરત ફરે છે ત્યારે હેડ ઓફિસનો મુખ્ય દરવાજો બંધ મળે છે એટલે વિદ્યાર્થીઓએ અઢી કિ.મી. ચાલીને હોસ્ટેલ કેમ્પસના બીજી તરફના દરવાજાથી એન્ટ્રી લેવી પડે છે. આજે વિદ્યાર્થીઓએ ચિફ વિજિલન્સ ઓફિસર એસ.કે.વાળાને આ મામલે પુછતા એસ.કે.વાળાએ અભદ્ર ભાષામાં વિદ્યાર્થીઓને ધમકાવ્યા હતા કે તમારાથી થાય તે કરી લો, ગેટ નહી ખુલ, વી.સી.સરનો ઓર્ડર છે. જેથી વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા અને ગેટ પાસે જ દાદાગીરી નહી ચલેગી... તાનાશાહી નહી ચલેગી. ગેટ ખોલો... ગેટ ખોલો...ના નારાઓ લગાવ્યા હતા.