'ભારતમાલા'ના અસરગ્રસ્ત ખેડૂતોનું કમલમ્માં હલ્લાબોલ

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
'ભારતમાલા'ના અસરગ્રસ્ત ખેડૂતોનું કમલમ્માં હલ્લાબોલ 1 - image


ખેડૂતોના ખાતામાંથી કાચી-પાકી નોંધ રદ કરવાની ઉગ્ર માંગણી સાથે

ભાજપ પ્રદેશ કાર્યાલયનો ગેઇટ બંધ કરી દેતા ખેડૂતોએ બહાર જ ધામા નાંખ્યા ઃ રામધૂન બોલાવી, સુત્રોચ્ચાર કર્યાં

ગાંધીનગર : દિલ્હીથી મુંબઇ સ્પેશ્યલ ગ્રીન એક્સપ્રેસ હાઇવે માટે ગાંધીનગરના ચારેય તાલુકાની જમીન સંપાદિત કરવાની થાય છે. જિલ્લાના કુલ ૪૮ ગામના બે હજારથી વધુ સર્વે નંબરની જમીનો સંપાદન કરવામાં આવનાર છે જે અંતર્ગત સરકારે ખેડૂત ખાતેદારોના ૭-૧૨માં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન કરવામાં આવનાર છે તેવી નોંધ પાડી દેતા ખેડૂતોએ થોડા દિવસ અગાઉ કલેક્ટર કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારે આજે પણ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને અસરગ્રસ્ત ખેડૂતો પરિવાર સાથે ભાજપ પ્રદેશ કાર્યાલય-કમલમ્ પહોંચી ગયા હતા અને અહીં હલ્લાબોલ કર્યું હતું.

ભારતમાલા પ્રોજેક્ટ ફિઝીબીલીટી રિપોર્ટ જ ખોટો હોવાના આક્ષેપ સાથે ગાંધીનગર જિલ્લાના ૪૮ ગામોના ખેડૂતો દ્વારા સંપાદનની પ્રક્રિયા તંત્રને કરવા દેતા નથી. જેની સામે મહેસુલ વિભાગે જે ખેડૂતની સર્વે નબંરની જમીન જાય છે તે ખેડૂતના ખાતામાં ભારતમાલામાં જમીન સંપાદન થાય છે તેવી કાચી નોંધ પાડવાનું શરૃ કર્યું હતું. જેના પગલે ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે આવી સ્થિતિમાં અગાઉ કલેક્ટર કચેરીની ઘેરાબંધી કરવામાં આવી હતી અને કલેક્ટરની ચેમ્બર બહાર જ હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યારે આજે એકાએક ૫૦૦થી વધુ ખેડૂતો બલરામ મંદિરે સે-૧૧ ખાતે ભેગા થયા હતા અને મહિલા-બાળકો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૃપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સુત્રોચારો સાથે પહોંચતા તમામ ખેડૂતોને કચેરીમાં જવા દેવામાં આવ્યા ન હતા અને પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રાંત અધિકારી તથા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

એટલુ જ નહીં, આ ખેડૂતો એકાએક ભાજપ પ્રદેશ કાર્યલય-કમલમ ખાતે પણ પહોંચી ગયા હતા. જો કે, ત્યાં ખેડૂતો મોટી સંખ્યામાં હોઇ ગેઇટ બંધ કરી દીધી હતી. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ અહીં હલ્લાબોલ મચાવ્યો હતો. ખેડૂત વિરોધી સરકાર વિરૃધ્ધ સુત્રોચારો પણ કરવામાં આવ્યા હતા અને જાન આપી દઇશું જમીન નહીં તેવા સંકલ્પ સાથે કમલમના ગેઇટ પાસે જ મહિલાઓ અને ખેડૂતો ધરણા પર બેસી ગયા હતા. આખરે ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ ત્યાં પહોંચી ગયા હતા અને તેમને પણ ખેડૂતોએ ઉગ્ર રજુઆત કરી હતી. નવો ફિઝીબીલીટી રિપોર્ટ બનાવવાની સાથે ભારતમાલાની કાચી-પાકી નોંધ ખાતામાંથી રદ કરવાની માંગ પ્રબળ કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા પ્રમુખે ખેડૂતોના પ્રતિનિધિ મંડળને સીઆર પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા લઇ જવા માટે આશ્વાસન આપ્યું હતું. ત્યારે આખરે ખેડૂતો અહીં રામધૂન બોલાવીને છુટા પડયા હતા એટલુ જ નહીં, ખેડૂતોને ન્યાય નહીં મળે તો લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચિમકી પણ આ રોષેભરાયેલા અસરગ્રસ્ત ખેડૂતોએ આપી છે.

ખેડૂતો સંપાદનની પ્રક્રિયામાં સહકાર નહીં આપતા

તંત્રએ એકતરફી કાર્યવાહી હાથ ધરીઃ૨૦ દિવસમાં કાચી નોંધ પ્રમાણિત કરી દીધી

એક વર્ષ અગાઉ જાહેરનામું બહાર પાડી દીધું હોવા છાત ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરના ખેડૂતોના ઉગ્ર વિરોધને લઇને ગાંધીનગરમાં સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઇ ન હતી ત્યારે સરકારી તંત્ર દ્વારા સંપાદન માટે અલગ ટ્રીક અપનાવવામાં આવી હતી. સંપાદન થાય તે પહેલા એટલે કે, હજુ તો જમીન ઉપર ખેડૂતોનો કબ્જો છે અને તેમને કોઇ વળતર પણ મળ્યું નથી તેમ છતા અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં એટલે કે, ૭-૧૨ હક્કપત્રકમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે તે સર્વે નંબરની જમીનનું સંપાદન કરવામાં આવનાર છે તેવા લખાણ સહિતની કાચી નોંધ પાડવામાં આવી  હતી.૨૦ દિવસ પહેલા આ પ્રકારેની નોંધ પાડયા બાદ આખરે તેને પાકી કરી દેવામાં આવી છે.એટલે કે, જે તે અધિકારી દ્વારા દ્વારા તેને પ્રમાણિત કરી દેવામાં આવી છે. એક બાજુ ખેડૂતો સંપાદનની પ્રક્રિયા માટે કોઇ સહકાર આપતા નથી અને ફિઝિબીલીટી રિપોર્ટ જ નવો બનાવવા માટે માંગણી કરે છે ત્યારે સરકારે એકતરફી કાર્યવાહી શરૃ કર છે અને કાચી નોંધને પ્રમાણિત કરીને સંપાદનની કાર્યવાહીને મક્કમતાથી આગળ ધપાવવાનો મુડ બનાવી દિધો હોય તેમ લાગે છે. તો બીજીબાજુ ખેડૂતો પણ ઉગ્ર વિરોધનું વિચારી રહ્યા છે.

બલરામ મંદિરથી કલેક્ટર કચેરી સુત્રોચારો સાથે ખેડૂતોની રેલી

ગાંધીનગર જિલ્લાના ખેડૂતોમાં ભારતમાલા પ્રોજેક્ટને લઇને ભારે રોષની લાગણી ફેલાઇ છે. ખોટા ફિઝિબીલીટી રિપોર્ટના આધારે ત્રણ પાક લેવાય છે તેવી જમીનને બંજર બતાવીને ત્યાંથી રોડ કાઢવાનું ષડયંત્ર હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે ત્યારે અગાઉ કલેક્ટર કચેરીને બાનમાં લીધા બાદ આજે સવારે ૫૦૦થી વધુ અસરગ્રસ્ત ખેડૂતો પોતાના પરિવારો સાથે સેક્ટર-૧૧ના બલરામ મંદિરે ભેગા થયા હતા અને ત્યાં રણનીતિ બનાવીને જાન આપી દઇશું પણ જમીન નહીં...જય જવાન..જય કિસાન..જેવા સુત્રોચારો કરીને કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા. રેલ સ્વરૃપે કલેક્ટર કચેરી પહોંચતા ત્યાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસે ખેડૂતોને અટકાવ્યા હતા અહીંથ ખેડૂતોના પ્રતિનિધિ મંડળને જ ઉપર પ્રાંત અધિકારી તથા નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે અંદર જવા દેવામાં આવ્યું હતું. અહીં પણ ખેડૂતોએ ઉગ્ર રજુઆત કરીને આત્મવિલોપન તથા ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.


Google NewsGoogle News