બે પ્રેમીઓએ ભેગા મળી ચમેલીની બ્રિજ પર હત્યા કરી,લાશ નહિં ઉંચકાતા ઢસડીને છેડા પર લઇ જઇ ગબડાવી દીધી
વડોદરાઃ પદમલા બ્રિજ પરથી ગળું દાબીને ફેંકી દીધેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં છાણી પોલીસને સફળતા મળી છે.પોલીસે કાંટો બનેલી ચમેલીનું કાસળ કાઢનાર તેના બંને પ્રેમીઓને યુપી ખાતેથી ઝડપી પાડયા છે.
પદમલા બ્રિજ પરથી ફેકી દેવાયેલી ૩૨ વર્ષીય ચમેલી ધસિયા(રહે.રણોલી સ્ટેશન સામે,ચાલીમાં)ની હત્યાનો ભેદ ઉકેલવા માટે છાણીના પીઆઇ જે આઇ પટેલે એક ટીમ યુપી મોકલી હતી.પોલીસે ચમેલીના પ્રેમી અજય યાદવ અને તેના બીજા પ્રેમી ઉદયરાજ શુક્લાને ઝડપી પાડી વડોદરા લાવી હતી.
પોલીસની તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે,ચમેલી અને અજય યાદવ યુપીના સોનભદ્ર જિલ્લામાં નજીકના ગામમાં રહેતા હોઇ તેમની વચ્ચે પ્રેમ સબંધ હતો.પરંતુ ચમેલી પરિણીત હોવાથી તેઓ છુપાઇને સબંધ રાખતા હતા.દરમિયાનમાં અજય યાદવ વડોદરા નોકરી માટે આવી જતાં ચમેલી પણ તેની પાછળ વડોદરા આવી હતી અને બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા.
દરમિયાનમાં અજય યાદવના લગ્ન નક્કી થતાં તે વતનમાં ગયો હતો.જેથી ત્રણ સંતાનની માતા ચમેલી એકલી પડી હતી. ચમેલીની બહેનપણી નજીકમાં રહેતી હતી અને તે પણ પિયર ગઇ હોવાથી ચમેલી તેની બહેનપણીના પતિ ઉદયરાજ શુક્લાના પ્રેમમાં પડી હતી.પરંતુ શુકલા તેને સાથે રાખવા તૈયાર નહતો.જેથી ચમેલી બંને પ્રેમીઓને વારંવાર ધમકાવતી હતી.
જેથી બંને પ્રેમીઓએ ભેગા મળીને તેને પતાવી દેવાનું નક્કી કર્યું હતું.યોજના મુજબ અજય યાદવ વડોદરા આવી ગયો હતો.ઉદયના કહેવા મુજબ તે ચમેલીને ખરીદીના નામે બ્રિજ પર લાવ્યો હતો.જ્યાં બંનેએ તેને માર મારી ગળું દબાવી દીધું હતું અને અંધારામાં લાશ નીચે ફેંકી હતી.છાણી પોલીસ બંનેની વધુ પૂછપરછ કરી રહી છે.
અજય યાદવના ૯માર્ચે લગ્નની કંકોતરી છપાઇ હોઇ વતનમાં ગયો હતો
અજય યાદવનું તા.૯મી માર્ચે લગ્ન નક્કી થઇ ગયું હતું.જેથી તે ત્રણ સંતાનની માતા ચમેલી સાથે રહેવા માંગતો નહતો.તેના લગ્નની કંકોત્રી પણ છપાઇ ગઇ હતી.જેથી તે લગ્નની તૈયારી માટે વતનમાં ગયો હતો.
બીજી તરફ અજયે છોડી દેતાં સિક્યુરિટી ગાર્ડ ઉદયરાજ શુક્લ સાથે પ્રેમમાં પડેલી ચમેલીએ તેની સાથે રહેવાની જિદ કરતાં ઉદયરાજ પણ તૈયાર થયો નહતો.આખરે ઉદયરાજ કંટાળી જતાં તેણે અજય યાદવને ફોન કરી ચમેલીને કારણે તેનું નવું લગ્ન જીવન ભાંગી જશે તેમ કહી ઉશ્કેર્યો હતો.જેથી અજય વડોદરા આવ્યો હતો અને બંને પ્રેમીએ ભેગા મળી ચમેલીને મોતને ઘાટ ઉતારી હતી.
લાશ નીચે ફેંકાય તેમ નહિં હોવાથી છેડા પરથી નદી તરફ ગબડાવી દીધી
ચમેલીની લાશ ઉંચકી શકાય તેમ નહિં હોવાથી તેને ઢસડીને બ્રિજના છેડા સુધી લઇ જવાઇ હતી.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બંને હત્યારાઓએ કેવી રીતે હત્યા કરી તેની વિગતો વર્ણવી હતી.જેમાં ઉદયરાજ શુક્લએ ચમેલીને રાતે બ્રિજ પર બોલાવવાનો તખ્તો ગોઠવ્યો હતો.અજય તે મુજબ ખરીદીનું બહાનું કરી તેને બ્રિજ પર લઇ ગયો હતો.
બ્રિજ પર આવતાં જ ઉદયરાજે પાછળથી ગળું દબાવી દીધું હતું.ચમેલી નીચે પડતાં તે તેની છાતી પર બેસી ગયો હતો અને ફરીથી ગળું દબાવ્યંુ હતું.જ્યારે અજયએ ચમેલીને મુક્કા માર્યા હતા.ચમેલી વજનદાર હોવાથી ઉદયરાજથી લાશ ઉંચકાઇ નહતી.જેથી તે ઢસડીને બ્રિજના છેડા સુધી લઇ ગયો હતો.ત્યાંથી તેણે લાશને નીચે ગબડાવી દીધી હતી.