ઓ.એલ.એક્સ. પર ગાડી જોઇને સોદો કરનાર ટ્રાન્સપોર્ટર છેતરાયા
ગાડી વેચાણ પેટે ૬.૬૧ લાખ ચૂકવ્યા પછી પણ ગાડી ના આપી
વડોદરા,ઓ.એલ.એક્સ. પર ગાડી જોઇ સોદો કરનાર ટ્રાન્સપોર્ટર પાસેથી ભેજાબાજ આરોપીએ ૬.૬૧ લાખ લઇને ગાડી આપી નહતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખોડિયાર નગર ચાર રસ્તા પાસે માધવ રેસિકમ પ્લાઝામાં રહેતા ટ્રાન્સપોર્ટર મેહુલ ભરતભાઇ પંડયાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે ધંધા માટે ગાડીની જરૃરિયાત હોઇ વર્ષ - ૨૦૨૪ માં ઓ.એલ.એક્સ.પર એક કારના ફોટા જોઇ મને પસંદ પડતા મેં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો. આરોપી પરવેઝખાન ઐયુબખાન નકુમ સાથે વાત કરી હતી. ત્યારબાદ હું મારા પિતા સાથે ગાડી જોવા માટે કાયાવરોહણ ગયો હતો. પરવેઝખાન તથા ગાડીના માલિક યતિનકુમાર બુદ્ધિસાગરભાઇ પટેલ (રહે. ટીંબરવા ગામ,તા.શિનોર) ગાડી લઇને આવ્યા હતા. યતિનકુમારે જણાવ્યું હતું કે, પરવેઝખાન જે વાત કરશે તે માન્ય રહેશે.તેવું જણાવ્યું હતું. અમે ૯.૨૫ લાખમાં ગાડી ખરીદવાનું નક્કી કર્યુ હતું અને બાના પેટે ૩૧ હજાર આપ્યા હતા. ત્યારબાદ ૬.૩૦ લાખના બે ચેક લખી આપી પરવેઝખાનને આપ્યા હતા. પરંતુ, ત્યારબાદ પરવેઝખાને ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. તેને ગાડી આપી નહતી તેમજ અમારી પાસેથી લીધેલા રૃપિયા પરત આપ્યા નહતા.