પત્નીને લાઇવ લોકેશન મોકલી ટ્રાન્સપોર્ટરે નદીમાં ઝંપલાવ્યું
૩૦ વર્ષના શ્રમજીવી યુવકનો ફાંસો ખાઇને આપઘાત
વડોદરા,ડિપ્રેશનમાં રહેતા ૩૪ વર્ષના ટ્રાન્સપોર્ટરે પત્નીને લાઇવ લોકેશન મોકલી મહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જ્યારે અન્ય એક બનાવમાં ૩૦ વર્ષના શ્રમજીવીએ અગ્મય કારણોસર આપઘાત કર્યો હતો.
મૂળ રાજકોટનો ૩૪ વર્ષનો યુવક પરિવાર સાથે વડોદરામાં રહેતો હતો. વડોદરામા ંતે ભાગીદારીમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેની માનસિક બીમારીની દવા ચાલતી હતી. ગત તા. ૨૪ મી એ તે ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો. શહેર નજીકના ફાજલપુર રામગઢ રિફાઇનરી રોડ ગરનાળા પાસે મહિસાગર નદી પાસે પહોંચીને તેણે પત્નીને લોકેશન મોકલી મેસેજ કર્યો હતો કે, હું જઉં છું. જેથી, પત્નીએ પતિના મિત્રોનેે જાણ કરતા તેઓ લોકેશનવાળા સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાંથી ટ્રાન્સપોર્ટરની બાઇક અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પરંતુ, તેનો કોઇ પત્તો નહતો. જે અંગે નંદેસરી પોલીસને જાણ કરતા હે.કો. શૈલેષભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પરંતુ, ટ્રાન્સપોર્ટરનો કોઇ પત્તો મળ્યો નહતો. બીજે દિવસે નજીકથી ટ્રાન્સપોર્ટરનો મૃતદેહ મળી આવતા પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
છાણી રોડ ભાથુજીનગરમાં રહેતા ૩૦ વર્ષના શ્રમજીવી અંબુભાઇ શનાભાઇએ આજે બપોરે ૧૨ વાગ્યા પહેલા પોતાના ઘરે ખાટલાની પ્લાસ્ટિકની પાટીનો ગાળિયો બનાવી ફાંસો ખાઇ લીધો હતો. આપઘાતનું કારણ જાણવા માટે છાણી પોલીસ સ્ટેશનના હે.કો. ભાવેશ દેવજીભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.