GACL ચેરમેનના નામે રૃપિયા ઉઘરાવતા ઠગના 21 સિમકાર્ડની તપાસ,ત્રણ દિવસે સિમ બદલતો હતો

રિમાન્ડ પર લેવાયેલા રઘુવીરને લઇ પોલીસનું જુદાજુદા શહેરોમાં સર્ચ,બેન્ક એકાઉન્ટની તપાસ

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
GACL ચેરમેનના નામે રૃપિયા ઉઘરાવતા ઠગના 21 સિમકાર્ડની તપાસ,ત્રણ દિવસે સિમ બદલતો હતો 1 - image

વડોદરાઃ જીએસીએલના ચેરમેન તેમજ અન્ય કંપનીઓના એમડી-ચેરમેનના નામે લોકોને ઠગતા ભેજાબાજને ઝડપી પાડનાર જવાહર નગર પોલીસે તેના નેટવર્કની તપાસ શરૃ કરી છે.

જીએસીએલના ચેરમેન ડો.હસમુખ અઢીયાના નામે ડીલરોને ફોન કરી રૃપિયાની માંગણી કરનાર ઠગ રઘુવીરસિંહ ચૌહાણ (રાજપારડી,ઝઘડીયા,ભરૃચ)ને રિમાન્ડ પર લીધા બાદ જવાહરનગના પીઆઇ એમ એન શેખે પૂછપરછ કરતાં તેણે દસ-બાર વર્ષમાં આવી રીતે રૃ.૫૦ લાખની ઉઘરાણી કરી હોવાની વિગતો બહાર આવી હતી.આ રકમ માટે મની ટ્રાન્સફર કરતા વેપારીને કમિશન આપી તેનો ઉપયોગ કરતો હતો.

રઘુવીરે નવસારીના ચીખલી ખાતે એક વેપારી  પાસેથી આવી રીતે રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાથી  પોલીસની ટીમ તેને લઇ ચીખલી જવા રવાના થઇ છે.આ ઉપરાંત તે જે શહેરોમાં ક્યાં ક્યાં રહેતો હતો અને કોની સાથે સંપર્કમાં હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસની ટીમ તેના વતનમાં પણ જશે.

પોલીસે કહ્યું છે કે,ભેજાબાજના બેન્ક એકાઉન્ટો તેમજ ૨૧ સિમકાર્ડની પણ ડીટેલ માંગવામાં આવી છે.પૂછપરછ દરમિયાન ત્રણ- ચાર દિવસ સુધી વાપરેલું સિમકાર્ડ કામ પુરૃં થાય એટલે બદલી નાંખતો હોવાની પણ માહિતી ખૂલી છે.

રઘુવીરે પોલીસ સામે પણ રોફ ઝાડયો..ઉઘરાવેલા રૃપિયા ગરીબ,અન્નક્ષેત્રમાં આપી દેતો હતો

ઓનલાઇન સર્ચ કરી કંપનીના ઉચ્ચ અધિકારીઓના નામ અને નંબર મેળવ્યા બાદ તેમના નામે ઠગાઇ કરતા રઘુવીર ચૌહાણે પોલીસની સામે પણ રોફ ઝાડવાનો  પ્રયાસ કર્યો હતો.

પીઆઇએ આરોપીને  ઉઘરાવેલા રૃપિયા ક્યાં વાપરતો હતો તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે,સાહેબ હું તો ગરીબો અને અન્નક્ષેત્ર જેવા સેવાકાર્ય માટે આ રૃપિયા વાપરતો હતો.

પોલીસે તપાસ કરતાં ઠગ જે શહેરોમાં તોડપાણી કરવા જતો હતો ત્યાં હોટલોમાં રહેતો હોવાની અને પડાવેલા રૃપિયા લઇ ઉચાળા ભરી જતો હોવાનું જણાઇ આવ્યંુ હતું.


Google NewsGoogle News