પાણીગેટ, ન્યૂ તાંદલજા અને રણુ ગામેથી ત્રણેય શકમંદોને ઉંચકી લીધા

સાંજે પાંચ વાગ્યાથી વહેલી સવાર સુધી પોલીસનું ઓપરેશન ચાલ્યું : મુંબઇ ક્રાઇમ બ્રાંચ ત્રણેયને લઇ રવાના

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
પાણીગેટ, ન્યૂ તાંદલજા અને રણુ ગામેથી ત્રણેય શકમંદોને ઉંચકી લીધા 1 - image

વડોદરા,બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો મેઇલ કરવાના ગુનામાં તપાસ વડોદરા સુધી પહોંચતા મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ ગઇકાલે રાતે વડોદરા આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાંચની મદદ લઇ પાણીગેટ, ન્યૂ તાંદલજા અને પાદરાના રણુ ગામેથી કુલ ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

કેન્દ્રીય નાણાં  પ્રધાન અને આરબીઆઇના ગવર્નર બુધવાર સુધી રાજીનામુ નહીં આપે તો બુધવાર બપોરે દોઢ વાગ્યા પછી ૧૧ સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. તેવા ધમકીભર્યા ઇમેલના પગલે આ કેસની તપાસમાં ગઇકાલે  સાંજે પાંચ વાગ્યે મુંબઇ ક્રાઇમબ્રાંચના એ.એસ.આઇ. અને બે કોન્સ્ટેબલ વડોદરા આવ્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાંચનો તેમણે સંપર્ક કર્યો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ, ક્રાઇમ બ્રાંચના એસીપી હરપાલસિંહ  રાઠોડે ડીસીબી અને એસઓજીની ટીમને તપાસમાં મદદ માટે મોકલી હતી. સૌપ્રથમ તેઓ ન્યૂ તાંદલજા વિસ્તારમાં રહેતા મોહંમદઆર્શિલ મોહંમદઇકબાલ તુપાલની ત્યાં ગયા હતા. તેની પૂછપરછ કર્યા પછી  પોલીસ પાણીગેટ મેમણ કોલોનીમાં રહેતા વસિમરાજા અબ્દુલરજાક મેમણના ઘરે  ગયા હતા. તેની  પૂછપરછ કરી પોતાની સાથે લઇ ટીમ પાદરાના રણુ ગામે પહોંચી હતી. અને પાદરાના રણુ ગામે રહેતા આદિલ રફિકભાઇ મલેકની ત્યાં ગયા હતા. ત્રણેયની સંડોવણી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા શકમંદોને લઇને વહેલી સવારે મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ પરત જતી રહી હતી. એસીપી ક્રાઇમ એચ.એલ.રાઠોડે જણાવ્યું હતું કે, ત્રણેય શકમંદોનો કોઇ ગુનાઇત ભૂતકાળ હોવાનું જણાઇ આવ્યું નથી.


Google NewsGoogle News