ગાંધીનગર કોર્ટમાં કેસ પેપર ચોરવા માટે આવેલો ચોર કેમેરામાં કેદ !

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ગાંધીનગર કોર્ટમાં કેસ પેપર ચોરવા માટે આવેલો ચોર કેમેરામાં કેદ ! 1 - image


મકાન,દુકાન, મંદિર બાદ હવે તસ્કરો કોર્ટ સુધી પહોંચ્યા

સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા : ફરિયાદને પગલે પોલીસ દ્વારા ચોરની શોધખોળ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૧૧માં આવેલા કોર્ટ સંકુલમાં મોડી રાત્રે કેસ પેપર ચોરવા માટે આવેલો ચોર કેમેરામાં કેદ થયો છે. જે સંદર્ભે કોર્ટ દ્વારા સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને આ ચોરની શોધખોળ શરૃ કરી છે. આ ચોરે કેમેરા તોડી નાખ્યા હતા. જોકે એક કેમેરામાં તે લોબીમાં ફરતો દેખાયો હતો.

ગાંધીનગર શહેરમાં આમ તો ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ ગુનાઓનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં હવે ગાંધીનગર કોર્ટ સંકુલ સુધી તસ્કર પહોંચી ગયાની ઘટના બહાર આવી છે. આ સંદર્ભ સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, કોર્ટ સંકુલની અંદર લગાડવામાં આવેલા કેમેરા પૈકી એક કેમેરો તૂટેલી હાલતમાં જણાયો હતો. જેના આધારે કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા કોર્ટની લોબીમાં ફરતો એક શખ્સ જણાવ્યો હતો અને તે કોર્ટ રૃમમાં પ્રવેશીને કંઈક શોધતો હોવાનું પણ દેખાયું હતું. જેના આધારે હાલ પોલીસ દ્વારા ચોરીના પ્રયાસનો ગુનો દાખલ કરીને આ આરોપીની શોધખોળ શરૃ કરવામાં આવી છે. જ્યારે મહત્વની બાબતે છે કે, ગાંધીનગર કોર્ટમાં કોઈ ચોર કયા ગુનાના કેસ પેપર ચોરવા માટે આવ્યો હતો તે પણ તપાસનો વિષય છે. હાલ તો પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસીને ચોરી કરવા માટે આવેલા ચોરની શોધખોળ કરી રહી છે. 


Google NewsGoogle News