કારખાનામાં ચોરી કરવા ઘૂસેલો ચોર રંગેહાથે ઝડપાયો
સીસીટીવીમાં ચોર ત્રિપુટીને જોઇને કારખાનાના માલિક દોડી ગયા : બે ભાગી ગયા
વડોદરા,સીસીટીવી કેમેરામાં કારખાનામાંથી ત્રણ ચોર ચોરી કરતા હોવાનું જોઇને કારખાના માલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ત્રણ પૈકીના એક ચોરને ઝડપી પાડી પાણીગેટ પોલીસને હવાલે કર્યો હતો.
પ્રતાપ નગર વિહાર ટોકીઝની બાજુમાં કૈલાસ ભુવનમાં રહેતા ભરતભાઇ મણીલાલ પંચાલ ડભોઇ રોડ યમુના મિલની સામે આનંદ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કૈલાસ ફર્નિચરના નામથી કારખાનુ ચલાવે છે. તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે દશ વાગ્યે હું મારા ઘરે જમી પરવારીને મોબાઇલ ફોનમાં કારખાનામાં ફિટ કરેલા સીસીટીવી કેમેરા જોતો હતો. કારખાનામાં બાંધકામ ચાલતું હોઇ દરવાજો મૂક્યો નહતો. ફક્ત લોખંડના પતરાની આડશ જ હતી. બાંધકામ માટે મૂકેલા લોખંડના સળિયા ત્રણ ચોર ચોરી કરીને લઇ જતા દેખાયા હતા. હું અને મારી પત્ની તરત કારખાના પર ગયા હતા. અમને જોઇને ત્રણ પૈકીના બે ચોર ભાગી ગયા હતા. જ્યારે એક ચોર સુનિલ દેસાઇભાઇ ( રહે. મહાનગર વુડાના મકાનમાં, ડભોઇ રોડ) ને પકડી લીધો હતો.