બુલેટ ટ્રેનના કામ માટે વપરાતા લોખંડના સળીયાની ચોરી કરનાર ઝડપાયો
Vadodara Theft Case : વડોદરા શહેરમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોય અલગ અલગ વિસ્તારમાં તેની કામગીરી ચાલી રહી છે. ત્યારે અગાઉ પંડ્યા બ્રિજ પાસે ત્યારબાદ છાણી દશરથ ગામ પાસેથી સામાનની ચોરી થઈ હતી. હાલમાં વડસર ગામ પાસે ચાલતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાંથી સામાન્ય ચોરી થઈ હતી. જેની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
જેના કારણે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે 29 જુલાઈના રોજ સ્ટાફના માણસો પેટ્રોલીંગની કામગીરીમાં હતા. દરમ્યાન મળેલ માહિતી આધારે વડસર બ્રિજની નીચે તપાસ કરતા એક ઇસમ કમલકિશોર સાગરમાલ જાખર ( રહે. રાજસ્થાન હાલ રહે વડસર બ્રીજ નીચે ખુલ્લી જગ્યામાં) હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી લોખંડના ખીલાસરીના ટુકડા તેમજ લોખંડના ગોળાઇવાળા પાઇપ મળી આવ્યા હતા. જેથી તેની પુછપરછ કરતાં વડસર પાસે ચાલતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાન ચોરી કર્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી 25,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.