28 ગુનાઓ આચરનાર રીઢા ચોરે નવું સ્કૂટર ખરીદતાં પોલીસની આંખમાં આવ્યો,વધુ 3 ચોરીના ભેદ ખૂુલ્યા
વડોદરાઃ વડોદરા અને આસપાસના સ્થળોએ વાહનો અને મકાનોમાં ચોરી કરનાર રીઢા ચોરે નવું સ્કૂટર ખરીદતાં ક્રાઇમ બ્રાન્ચની નજરમાં આવી ગયો હતો અને તપાસ દરમિયાન તેની પાસે રોકડા રૃ.૩લાખ સહિતની ચીજો મળી આવતાં ચોરીના વધુ ત્રણ ગુનાનો ભેદ ખૂલ્યો હતો.
પરશુરામના ભઠ્ઠામાં ભાથુજીનગરમાં રહેતો અંકિત વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ૨૮ જેટલા ગુનામાં સંડોવાયેલો હોવાથી પોલીસની તેના પર નજર રહેતી હતી.અંકિત હાલમાં નવું સ્કૂટર લઇને ફરતો હોવાની અને બેફામ ખર્ચા કરતો હોવાની માહિતી મળતાં પીઆઇ આર જી જાડેજાની ટીમે તપાસ કરી હતી.
આ દરમિયાન તેના સ્કૂટરની ડિકિમાંથી રોકડા રૃ.૩ લાખ,સીસીટીવીનું ડીવીઆર અને મોબાઇલ મળી આવ્યા હતા.જેથી તે બાબતે પૂછપરછ કરતાં બે માસ પહેલાં નિઝામપુરાની ઓપ્ટિક હાઉસ નામની દુકાનમાંથી રોકડા રૃ.૧.૯૫ લાખની ચોરી કર્યાની તેમજ ૧૫ દિવસ પહેલાં અલકાપુરી સંપતરાવ કોલોની ખાતે રત્નમ એપાર્ટમેન્ટની ઓફિસમાંથી રોકડા રૃ.૨.૫૦ તેમજ ડીવીઆરની ચોરી કર્યાની અને નજીકના એરિઝ કોમ્પ્લેક્સમાં કાપડની દુકાનમાંથી એક મોબાઇલ ચોરી કર્યાની વિગતો ખૂલી હતી.
પોલીસની તપાસમાં નવું સ્કૂટર ચોરીના રૃપિયામાંથી ખરીદ્યંુ હોવાની માહિતી બહાર આવી હતી.જેથી તમામ ચીજો કબજે કરી અકોટા અને ફતેગંજ પોલીસને સોંપવા તજવીજ કરી છે.