ઇસ્કોન મંદિરને પણ ચોરોએ ના છોડ્યું,ગર્ભગૃહમાં ઘૂસી ભગવાનનો શણગાર અને પૂજાના સાધનોની ચોરી
વડોદરાઃ ગોત્રીના ઇસ્કોન ટેમ્પલને પણ ચોરોએ છોડયું નથી અને ગર્ભગૃહમાં ઘૂસી જઇ અંદાજે રૃ.દોઢ લાખની કિંમતનો ભગવાનનો સોના-ચાંદીનો શણગાર ઉતારી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ બનતાં પોલીસની ટીમો દોડતી થઇ છે.
ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં ગઇકાલે તા.૧૧મીએ રાતે ૧૦ થી તા.૧૨મીએ મળસ્કે ૩.૩૦ વાગ્યાના અરસામાં ચોરો ત્રાટક્યા હોવાનો બનાવ બન્યો છે.મંદિરના પૂજારી લોકપતિદાસ ગોસ્વામીએ કહ્યું છે કે,મંદિરમાં રાધાશ્યામ સુંદર, ગૌર નિલાય અને જગન્નાથજી,બલદેવ અને શુભદ્રાજીની મૂર્તિઓ આવેલી છે.
આજે મળસ્કે ૩.૩૦ વાગે હું ગર્ભગૃહનો ગેટ નંબર-૧ ખોલવા ગયો ત્યારે તેનો નકૂચો તૂટેલો જણાયો હતો.તપાસ કરતાં ગેટ નંબર-૨નો પણ નકૂચો તૂટેલો હતો અને બંને ગેટના તાળાં નીચે પડયા હતા.
ચોરો ભગવાન શ્યામસુંદરનું સોનાનું કડુ,સોનાની ત્રણ ચેન અને ગાય, બાજોઠ, પલંગ જેવા ચાંદીના સાધનો મળી કુલ રૃ.દોઢ લાખની મત્તા ચોરી ગયા હતા.ગર્ભગૃહમાં નીચેના ભાગે લોકર હતું.પરંતુ ચોરો તે તોડી શક્યા નહતા.
ચૂંટણી દરમિયાન આખી રાત પોલીસનું ચેકિંગ છતાં ચોરો આસાનીથી ફરાર
લોકસભાની ચૂંટણી દરમિયાન પોલીસ ઠેરઠેર વાહન ચેકિંગ કરી રહી હોવા છતાં સતત અવરજવર વાળા માર્ગે આવેલા ઇસ્કોન ટેમ્પલના ગર્ભગૃહમાં પહોંચી ગયેલા ચોરો આસાનીથી ફરાર થઇ ગયા હતા.
શહેરમાં આખી રાત પોલીસની ટીમો રસ્તાઓ પર ગોઠવાયેલી હોય છે અને વાહન ચેકિંગ તેમજ શકમંદોને તપાસવામાં આવી રહ્યા છે.પરંતુ ઇસ્કોન મંદિરના ચોરો કેવી રીતે કામ પાર પાડીને ફરાર થઇ ગયા તે સમજી શકાતું નથી.
પોલીસ માટે પડકારરૃપ બનેલા ઉપરોક્ત બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતની ટીમો પણ દોડતી થઇ છે.ગોત્રી પોલીસના પીઆઇ આર એન પટેલે કહ્યું હતું કે,અમોને મહત્વના ફૂટેજ હાથ લાગ્યા છે.જેની ચકાસણી કરવામાં આવી રહી છે.ગર્ભગૃહમાં એક ચોર હતો.પરંતુ તેની સાથે બીજા પણ મદદમાં હોઇ શકે છે.
ગર્ભગૃહમાંથી નીકળેલો ચોર ગેસ્ટ હાઉસ સુધી પહોંચ્યો,આર્ટિફિશિયલ દાગીના ફેંકી દીધા
ઇસ્કોન મંદિરમાં ચોરી કરી બહાર નીકળેલો ચોર ગેસ્ટ હાઉસ સુધી પહોંચ્યો હતો.
પૂજારીએ ગર્ભગૃહના નકૂચા અને તાળાં તોડીને દાગીનાની ચોરી થયાની જાણ કરતાં હેડ પૂજારી વિલાસદાસ અને નિત્યાનંદજી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા.
તેઓ તપાસ કરતા હતા ત્યારે નજીકમાં આવેલા ગેસ્ટ હાઉસ પાસે ચોરે ફેંકી દીધેલા આર્ટિફિશિયલ દાગીના વેરણછેરણ હાલતમાં મળી આવ્યા હતા.પોલીસે આ અંગે ડોગસ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની પણ મદદ લીધી છે.