લગ્ન પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી સોનાના ૮ તોલા દાગીનાની ચોરી
નણંદના ઘરે રહેવા ગયેલી મહિલાના બંધ મકાનના તાળા તોડી દાગીના ચોરી જતા ચોર
વડોદરા,મહારાષ્ટ્ર લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરના તાળા તોડી ચોર ટોળકી સોનાના ૯૨.૨૯ ગ્રામ દાગીના અને ચાંદીના ૯૮ ગ્રામ વજનના દાગીના ચોરી ગઇ હતી. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર અવધૂત ફાટક પાસે શિવમ સોસાયટીમાં રહેતા સુહાસીબેન નરેન્દ્રભાઇ ગડકરીના નણંદ પ્રિયંકાબેન ગાયકવાડનું આંખનું ઓપરેશન કર્યુ હોવાથી તેઓ ગત તા.૨૩ મી જૂને તેમના ઘરે રહેવા માટે ગયા હતા. ૨ જી જુલાઇએ તેમની દીકરી ઘરે સાફ સફાઇ કરી પરત આવી ગઇ હતી. બે દિવસ પછી તેઓ ઘરે પરત ગયા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજો તથા જાળીનો નકુચો તૂટેલી હાલતમાં હતા. ઘરમાં જઇને તપાસ કરતા ચોર ટોળકી ઘરમાંથી ૧.૮૦ લાખના સોના - ચાંદીના દાગીના ચોરી ગઇ હતી. જે અંગે તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે અન્ય એક બનાવમાં મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં દંતેશ્વર વચલા ફળિયામાં કૃષ્ણ શેરીમાં રહેતા ૬૫ વર્ષના હેમાકાંતભાઇ વિષ્ણુભાઇ જંગલે મકરપુરા જી.આઇ.ડી.સી.ની મોકતાલી એન્જિનિયરીંગ કંપનીમાં નોકરી કરે છે. તેમની ભત્રીજીના લગ્ન હોવાથી તેઓ ગત તા.૨૬ મી એ મહારાષ્ટ્ર ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોનાના ૮૨.૨૯ ગ્રામ અને ચાંદીના ૯૮ ગ્રામ વજનના દાગીના તેમજ રોકડા ૬ હજાર મળી કુલ રૃપિયા ૧.૮૧ લાખની મતા ચોરી ગઇ હતી.