અંબાપુરના મકાનમાં ૧.૩૦ લાખની ચોરી પેથાપુરમાં લોકો જાગી જતા તસ્કરો ભાગ્યાં

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
અંબાપુરના મકાનમાં ૧.૩૦ લાખની ચોરી પેથાપુરમાં લોકો જાગી જતા તસ્કરો ભાગ્યાં 1 - image


ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત્

ચોરી કરવા માટે આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા : પોલીસે ટોળકીને પકડવા માટે દોડધામ શરૃ કરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે અંબાપુર ગામના મકાનમાં ત્રાટકેલા તસ્કરો ૧.૩૦ લાખ રૃપિયાની મત્તા ચોરી ગયા હતા. જ્યારે પેથાપુરના સિધ્ધરાજ બંગલોઝમાં ટોળકી ત્રાટકી હતી પરંતુ વસાહતીઓ જાગી જતા નાસી છુટયા હતા. હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર હાલ તસ્કરોના ટાર્ગેટ ઉપર છે ત્યારે શહેર નજીક આવેલા અંબાપુર ગામની સીમમાં આવેલા બાલાજી ઉપવનના મકાન નંબર ત્રણમાં રહેતા વીરેન દિપકકુમાર ત્રિવેદી ગત ૩૦ ઓગસ્ટના રાત્રે પરિવાર સાથે જમીને સુઈ ગયા હતા આ દરમિયાન સવારે તેમના માતા જાગ્યા હતા અને તેમણે કબાટના દરવાજા ખુલ્લા જોયા હતા અને ત્યારબાદ વિરેનભાઈને જગાડયા હતા. જોકે ઘરમાં તપાસ કરતા તસ્કરો રોકડ અને દાગીના મળી ૧.૩૦ લાખ રૃપિયાની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જે સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. એટલું જ નહીં આ વિસ્તારમાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ સિક્યુરિટી ગાર્ડ તેમને ભગાડી દીધા હતા. આ ઉપરાંત પેથાપુર ખાતે આવેલા સિધ્ધરાજ બંગ્લોઝમાં પણ તસ્કરો ચોરી કરવા માટે પ્રવેશ્યા હતા. જોકે વસાહતિયો જાગી જતા અહીંથી તસ્કરો નાસી છૂટયા હતા. ત્યારબાદ વસાહતીઓ દ્વારા સીસીટીવી ચકાસવામાં આવતા તસ્કર ટોળકી તેમાં દેખાઈ હતી. જે સંદર્ભે પણ પોલીસને જાણ કરવામાં આવી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ત્યારે પોલીસે ગુનાઓ ઉકેલવાની સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવા પેટ્રોલિંગ વધારવું જોઈએ.


Google NewsGoogle News