સયાજી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળના પગલે તંત્ર દોડતું થયું
સુપ્રિન્ટેન્ડન્ટે આ હડતાળને આકરૃં પગલું ગણાવ્યું : મેડિકલ ઓફિસરની રજા કેન્સલ
વડોદરા.કોલકાત્તામાં ડોક્ટર પર રેપ વિથ મર્ડરના કેસનો દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. જેના પગલે સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા આજે હડતાળ પાડી રેલી યોજવામાં આવી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.
કોલકાત્તાની આર.જી. મેડિકલ કોલેજમાં થયેલા રેપ વિથ મર્ડરના કેસના પગલે ડોક્ટરોની સુરક્ષા વધારવાની માંગણી કરવામાં આવી રહી છે. અવાર - નવાર ડોક્ટર્સ પર થતા હુમલા છતાં સરકાર દ્વારા તેઓને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી. સયાજી હોસ્પિટલમાં આજ ેસવારથી ડોક્ટરો ફરજ પરથી દૂર રહ્યા હતા. તેઓએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. સયાજી હોસ્પિટલમાં હડતાળના પગલે પ્લાન્ડ સર્જરી બંધ રાખવી પડી હતી. તેઓએ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન પત્ર આપ્યું હતું. સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે, દર્દીઓને હાલાકી ના પડે તે માટે નોન ક્લિનિકલ બ્રાંચના શિક્ષકોનો ઉપયોગ કરી વ્યવસ્થા ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, આટલા મોટા સ્ટાફની હડતાળના પગલે તકલીફ પડશે. હાલ અમારા તમામ મેડિકલ ઓફિસરની રજા કેન્સલ કરવામાં આવી છે.ગોત્રી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કાળી પટ્ટી પહેરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.