કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું રહ્યું અને જુનિયર ક્લાર્કે ૧.૩૬ કરોડની ઉચાપત કરી
વર્ષ ૨૦૦૬ થી શરૃ થયેલી ઉચાપતની ફરિયાદ ૧૮ વર્ષ પછી દાખલ થઇ
વડોદરા, આજવા બાગની પ્રવેશ ફી, પાર્કિંગ ફી તથા સયાજીબાગ ટોયટ્રેન, સત્કાર વાટિકા, દાન પેટીની રકમ, ટેન્ડર ફી તથા ફિલ્મ શૂટિંગ ફી તથા કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ વિગેરેની ફી ની થયેલી કુલ આવકમાંથી ૧.૩૬ કરોડની ઉચાપત કરનાર કમાટીબાગની કોર્પોેરેશનની ઓફિસના જુનિયર ક્લાર્ક સામે છેવટે ફરિયાદ નોંધાઇ છે. વર્ષ ૨૦૦૬ થી ચાલતી ઉચાપત અંગે કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું રહ્યું હતું.
કારેલીબાગ સાધના નગર સોસાયટીમાં કોણાર્ક કોમ્પલેક્સમાં રહેતા ગૌરવ પુજાલાલ પંચાલ વડોદરા કોર્પોરેશનમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નોકરી કરે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જુલાઇ - ૨૦૨૦ માં કમાટીબાગ ખાતે આવેલા મહાદેવના મંદિરમાં કોર્પોરેશન તરફથી મૂકવામાં આવેલી દાન પેટી મેં તથા ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ અને કમિટિના સભ્યોની હાજરીમાં દાન પેટી ખોલીને જોતા તેમાંથી ૩૬,૯૯૫ રૃપિયા મળી આવ્યા હતા. તે રૃપિયા અમે પાર્ક્સ એન્ડ ગાર્ડનની કમાટીબાગની ઓફિસના જુનિયર ક્લાર્ક દિલીપ અમરસિંહ ચૌહાણ ( રહે. દશરથ ગામ) ને કોર્પોરેશનના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે આપ્યા હતા. પરંતુ, તેણે જમા કરાવ્યા નહતા. ત્યારબાદ ડાયરેક્ટ મંગેશ જયસ્વાલે તેને કહેતા રૃપિયા જમા કરાવી દીધા હતા.
વધુમાં તા. ૨૧ - ૧૧ - ૨૦૦૬ થી આજવા બાગની પ્રવેશ ફી, પાર્કિંગ ફી તથા સયાજીબાગ ટોયટ્રેન, સત્કાર વાટિકા, દાન પેટીની રકમ, ટેન્ડર ફી તથા ફિલ્મ શૂટિંગ ફી તથા કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ વિગેરેની ફી દિલીપ ચૌહાણને બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાની કામગીરી કરતા હતા. ઓડિટ કરાવતા જાણવા મળ્યું હતું કે, દિલીપ ચૌહાણે આજવા બાગની પ્રવેશ ફી તથા પાર્કિંગ ફીના વાર્ષિક ઇજારાના વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૭ સુધીના સમયમાં થયેલી ૨.૫૪ કરોડની આવક પૈકી ૯૮.૭૩ લાખ જમા કરાવ્યા નહતા અને તેઓને ફાળવવામાં આવેલ આઇએફએસ સિસ્ટમનો ઉપયોગ કરી ખોટી પાવતીઓ બનાવી હતી.
સયાજી બાગ ખાતે ઇલેક્ટ્રિક કાર સેગવેગની થયેલી ૨૦.૪૭ લાખની આવક પૈકી ૬.૫૪ લાખ જમા કરાવ્યા નહતા. આજવા બાગની પ્રવેશ ફી તથા પાર્કિંગ ફી ની વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૩ દરમિયાન થયેલી આવક ૨.૬૪ કરોડ પૈકી ૨૪.૫૯ લાખ ઓછી જમા કરાવ્યા હતા. તેમજ બેન્ક ઓફ બરોડાના ખોટા અને બનાવટી ચલણ બનાવી ખોટા સહી સિક્કા કર્યા હતા. આ ઉપરાંત દાન પેટીના રૃપિયા ૬.૭૫ લાખ પૈકી ૬.૬૪ લાખ જમા કરાવ્યા નહતા. દિલીપ ચૌહાણે કરેલી ૧.૩૬ કરોડની ઉચાપત અંગે વિજીલન્સ તપાસ થતા દિલીપ ચૌહાણે ઉચાપત કરી હોવાનું જણાઇ આવ્યું હતું.