મહીસાગરમાં લોકોનો જીવ બચાવતા તરવૈયાઓએ સ્યુસાઇડ કરવા કૂદેલા યુવકને બચાવી લીધો
વડોદરાઃ મહીસાગરમાં પોતાનો જીવ જોખમમાં મૂકી બીજાનો જીવ બચાવતા તરવૈયાઓએ વધુ એક યુવકની જિંદગી બચાવી લીધી છે.
મહીસાગરમાં વાસદ અને આસપાસના સ્થળોએ તરવૈયાઓના ગુ્રપ દ્વારા ડૂબતા લોકોને બચાવવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.જે પૈકીના ૨૩ તરવૈયાઓનું નંદેસરી પોલીસે તાજેતરમાં જ સન્માન કર્યું હતું.
મહીસાગરના પટ વિસ્તારમાં પ્રસાદ અને ખાણીપીણીની કેબિનો,લારી-ગલ્લાં અને રેસ્ટોરાં ઉપરાંત નાવડી ચલાવતા તરવૈયાઓ દ્વારા અત્યારસુધીમાં નિસ્વાર્થ સેવા કરીને ૧૫૦ થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.જ્યારે,૪૦૦ થી વધુ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
ગઇકાલે બપોરે વાસદ બ્રિજ પરથી રિક્ષા લઇ આવેલા એક યુવકે પડતું મૂકતાં તે ડૂબવા માંડયો હતો.જેથી ત્યાં હાજર નાવિક અને અન્ય લોકોનું ધ્યાન જતાં તેમણે રાહુલ નામના યુવકને બચાવી લીધો હતો.આ યુવકે પત્ની સાથેના વિખવાદને કારણે આ પગલું ભર્યું હોવાની તેણે કેફિયત વર્ણવી હતી.નોંધનીય છે કે,પાંચેક દિવસ પહેલાં પણ ખેડાના એક પરિવારના દાદા-પૌત્રીને તરવૈયાઓએ બચાવી લીધા હતા.