સયાજીમાં ઇએનટી ડિપાર્ટમેન્ટમાં આગના પગલે સર્જરી ત્રણ મહિના સુધી બંધ રહેશે

સર્જરીના દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવશે : રોજની ૭ થી ૮ નાની મોટી સર્જરી થતી હોય છે

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
સયાજીમાં ઇએનટી ડિપાર્ટમેન્ટમાં આગના પગલે સર્જરી ત્રણ મહિના સુધી બંધ રહેશે 1 - image

 વડોદરા,સયાજી  હોસ્પિટલમાં ઇએનટી ડિપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે મોટું નુકસાન થયું છે. ત્રણ મહિના સુધી કોઇ સર્જરી થઇ શકે નહીં. જરૃરી સર્જરી માટે હવે દર્દીને ગોત્રી  હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. તેના કારણે ભારે અંધાધૂંધી ફેલાઇ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડના સ્ટાફે બે કલાક કામગીરી  હાથ ધરી હતી. જોકે, આગના સમયે ઓપરેશન થિયેટરમાં દર્દી, ડોક્ટર કે અન્ય કોઇ સ્ટાફ હાજર નહીં હોવાથી જાનહાનિ થઇ નહતી. પરંતુ, આગમાં એ.સી., વેન્ટિલેટર, ઓપરેશન થિયેટરના  ફનચર, વાયરીંગ તેમજ અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું.

ભારે નુકસાનના કારણે ઓપરેશન થિયેટરને ફરીથી કાર્યરત કરવા માટે લગભગ ત્રણ મહિના જેટલો સમય થશે. ત્યાં સુધી સયાજી હોસ્પિટલના ઇએનટી ડિપાર્ટમેન્ટમાં થતી સર્જરીઓ અટકી ગઇ છે. ઇએનટી ડિપાર્ટમેન્ટમાં રોજની નાની મોટી ૭ થી  ૮ સર્જરી થતી હોય છે. ત્રણ મહિનાની ૨૪૦ સર્જરી અટકી  પડી છે. આજે ઓપરેશન થિયેટરની સાફ સફાઇ કરી દેવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાં આવતા સર્જરીના દર્દીઓને હાલમાં ગોત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવશે.


સયાજીમાં છેલ્લા ૧૦ દિવસથી ટેલિફોન નેટવર્ક ઠપ્પ

વડોદરા,સયાજી હોસ્પિટલની ઇપીબીએક્સ સિસ્ટમ છેલ્લા ૧૦ દિવસથી બંધ છે. જેના કારણે ડોક્ટર્સ અને સ્ટાફને એક થી બીજા ડિપાર્ટમેન્ટમાં વાત કરવા માટે તકલીફ થઇ રહી છે. અલગ - અલગ વોર્ડના ઇન્ચાર્જને રિપોર્ટની માહિતીની આપ - લે કરવા માટે મોબાઇલનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.


Google NewsGoogle News