આપઘાત કરવા નીકળેલી વિદ્યાર્થિનીને પોલીસે બચાવી લીધી
પોલીસે લોકેશન ટ્રેસ કરી અમદાવાદમાં રહેતા કાકાને જાણ કરી
વડોદરા,ડિપ્રેશનમાં સરીને આપઘાત કરવા માટે નીકળી ગયેલી ખાનગી આયુર્વેદિક કોલેજની વિદ્યાર્થિનીને ડીસીબી પોલીસે કાઉન્સેલિંગ કરી બચાવી લીધી હતી.
મૂળ સૌરાષ્ટ્રની યુવતી શહેરની ખાનગી આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા હીરા ઘસવાનું કામ કરે છે. પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેને લાગતું હતું કે, મારૃં ડોક્ટર બનવાનું સ્વપ્ન અધુરૃં રહેેશે. જેથી, પાંચ દિવસ પહેલા માતા - પિતાને સ્યૂસાઇડનો મેસેજ કરીને તે નીકળી ગઇ હતી. ત્યારબાદ તેણે માતા - પિતાના ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. આ અંગેની જાણ ડીસીબી પોલીસને થતા તેમણે યુવતીના મોબાઇલ નંબરના આધારે તેનું લોકેશન ટ્રેસ કરતા યુવતી અમદાવાદ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે તેને કોલ કરી કાઉન્સેલિંગ શરૃ કર્યુ હતું. બીજી તરફ પોલીસને જાણવા મળ્યું હતું કે, યુવતીના કાકા - કાકી અમદાવાદ જ રહે છે. જેથી, પોલીસે યુવતીના કાકાનો સંપર્ક કરી લોકેશન મોકલી યુવતી સાથે મેળાપ કરાવી આપ્યો હતો. કાકા - કાકી યુવતીને સમજાવીને પોતાના ઘરે લઇ ગયા હતા. પોલીસની ત્વરિત કામગીરીના કારણે વિદ્યાર્થિનીનો જીવ બચી ગયો હતો.