એમ.એસ.યુનિવર્સિટી પ્રશ્નપત્ર છાપવાનું જ ભુલી જતાં પરીક્ષા આપ્યા વગર વિદ્યાર્થી પરત ફર્યા
આર્ટસ ફેકલ્ટીમાં સોમવારે ગુજરાતી વિભાગના બીજા વર્ષના ચોથા સેમેસ્ટરનું પેપર હતુ, વિદ્યાર્થીઓનો હોબાળા બાદ નવી તારીખ જાહેર થઇ
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં આજે ગુજરાતી વિભાગની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર જ નહી અપાતા એક સમયની પ્રસિધ્ધ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પર મોટો દાગ લાગી ગયો છે. વિદ્યાર્થીઓએ આ મામલે જ્યારે હોબાળો મચાવ્યો ત્યારે સત્તાધિશો પાસેથી જવાબ મળ્યો કે પેપર હજુ છાપવા જ નથી આપ્યા
આજે ગુજરાતી વિભાગમાં આજે બીજા વર્ષના ચોથા સેમેસ્ટરનું પેપર હતું. સમય સવારે ૧૨ વાગ્યાનો હતો. વિદ્યાર્થીઓ ૧૧.૩૦ વાગ્યે જ બેઠક વ્યવસ્થા પ્રમાણે ગોઠવાઇ ગયા હતા પરંતુ ૧૨.૩૦ સુધી પેપર નહી આપવામાં આવતા વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયુ હતુ. શરૃઆતમાં વિદ્યાર્થીઓએ સુપરવાઇઝર પાસે પુછપરછ કરી હતી પરંતુ યોગ્ય જવાબ નહી મળતા વિદ્યાર્થીઓ વર્ગખંડમાંથી બહાર આવવા લાગ્યા હતા.
બપોરે એક વાગ્યા સુધી કોઇ જવાબ નહી મળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડીન ઓફિસે પહોંચીને ઘેરાવો કર્યો હતો. તે સમયે ડીન ઓફિસમાંથી જે જવાબ મળ્યો તે સાંભળીને વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા. અધિકારીઓએ ઉદ્દત જવાબ આપતા કહ્યું હતું કે હજુ સુધી તો પેપર છાપવા જ નથી આપ્યુ. આ સાંભળીને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને માગ કરી હતી કે અત્યારે જ પરીક્ષાનું આયોજન કરો અથવા આ વિષયમાં માસ પ્રમોશન આપી દો દરમિયાન અધિકારીઓએ કહ્યું હતું કે જો કોઇ વિદ્યાર્થી અત્યારે પરીક્ષા આપવા માગે તો વ્યવસ્થા કરવામાં આવશે અથવા અગામી તા.૧૮ અને ૧૯ તારીખે પરીક્ષા લેવાશે એટલે વિદ્યાર્થીઓ અગામી તારીખે પરીક્ષા આપવા તૈયાર થયા હતા.
જે વ્યક્તિએ પરીક્ષા લેવાની હતી તે વારંવાર જુઠ્ઠુ બોલે છે
આ સમસ્યા અગંે ડીનને ઇમેઇલ કર્યો હતો. જે વ્યક્તિએ પરીક્ષા લેવાની હતી તે વારંવાર જુઠ્ઠંર બોલે છે તેમજ સહકાર આપતા નથી ડીન પણ તેમા સહયોગ આપે છે.મે ૧૧.૨૪ મિનિટે ફોન કર્યો હતો. મેસેજ કર્યો હતો તેમ છતાં ડીન દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. એક્ઝામ ચેરપર્સન ડો.દર્શિની દાદાવાલા વિરુદ્ધમાં ૧૦ પાનાંનો પત્ર લખ્યો છે પરંતુ તેઓ ડીનના મિત્ર હોળાથી તેમ છતાં તેની સામે પગલાં લેવામાં આવ્યા નથી તેઓ મહિનાઓ સુધી ગેરહાજર રહે છે.
- પ્રો. પુંડરિક પવાર
ગુજરાતી વિભાગના હેડ
પ્રશ્નપત્ર જ નથી આપ્યુ તો પરીક્ષા ક્યાથી લેવાય
આજની પરીક્ષાની બાબતે વાત એવી છે કે મારી પાસે આ પરીક્ષા અંગે કામ કરવાની માહિતી આપવામાં આવી નથી
હેડ દ્વારા જે ઇમેલની વાત કરવામાં આવે છે તે પરીક્ષાના બેઠી ત્રણ કલાક પહેલા જ કર્યો છે.ઇમેલમાં કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરીક્ષા અંગેની કોઈ જ વિગત આપવામાં આવી નથી પ્રશ્નપત્ર આપવામાં આવ્યું નથી તો પરીક્ષા કેવી રીતે લેવાય. ઈમેલનો જવાબ પણ આપ્યો હતો અને કોઈ વ્યક્તિના મિત્ર હોવું ગુનો નથી.
- પ્રો. દશની દાદાવાલા
એક્ઝામ ચેરપર્સન
ગુજરાતી વિભાગે આ સમસ્યા ઉભી કરી છે, પગલા લેવાશે
ગુજરાતી વિભાગે ઉભી કરેલી સમસ્યા છે. વિભાગના હેડ દ્વારા બપોરે ૧૨ વાગ્યે સમસ્યા અંગે જાણ કરવામાં આવી. હેડ પાસે પ્રશ્નપત્ર હતા તેમ છતાં આવપમાં આવ્યા નથી. હવે હેડ પ્રશ્નપત્ર સુપ્રત કરી રહ્યા છે ગુજરાત વિભાગ દ્વારા શું કરવામાં આવે છે તે બધાને જ ખબર જ છે. તમામ સામે જરૃરી પગલાં લેવાશે આજે પરીક્ષા આપવા તૈયાર હશે તે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે અન્યો માટે તા. ૧૮ અને ૧૯ તારીખે પરીક્ષા લેવાશે
- ડો.આદ્યા સક્સેના
ડીન, આર્ટસ ફેકલ્ટી