દરજી કામ કરતા જવાન પર સ્ટોર ઇન્ચાર્જે હુમલો કરતા બેભાન
પિતા હોસ્પિટલમાં દાખલ હોવાથી જવાન મોડો આવતા ગાળો બોલી હુમલો
વડોદરા,લાલબાગ એસ.આર.પી.ગૃપમાં દરજી કામ કરતા જવાન પર સ્ટોર રૃમના ઇન્ચાર્જે ડંડાથી હુમલો કરતા ઇજાગ્રસ્ત બેભાન થઇને ઢળી પડયા હતા. જે અંગે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
તરસાલી બાયપાસ અક્ષર વિહાર ફ્લેટમાં રહેતા ચંદ્રકાંતભાઇ હસમુખભાઇ મકવાણા એસ.આર.પી.ગૃપ - ૧ માં વર્ગ - ૪ માં દરજી તરીકે ફરજ બજાવે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે સવારે સાડા દશ વાગ્યે એસ.આર.પી.ગૃપ - ૧ માં આવેલા જનરલ સ્ટોર રૃમ ખાતે હું ફરજ પર આવ્યો તેની સહી કરવા માટે ગયો હતો. તે દરમિયાન અમારા સ્ટોર રૃમના ઇન્ચાર્જ એ.એસ.આઇ. વિનોદભાઇ પરમાર પણ ત્યાં હાજર હતા. તેમણે મને કહ્યું કે, આટલા મોડા કેમ ફરજ પર આવ્યા છો ? મેં તેઓને એવો જવાબ આપ્યો કે, બે દિવસ પહેલા મારા પિતાને હાર્ટ એટેક આવ્યો હતો જેઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ હોય હું હોસ્પિટલ ગયો હતો. જેથી, મને આવવામાં મોડું થઇ ગયું છે. મારી વાત સાંભળીને વિનોદભાઇ મારા પર ગુસ્સે થઇને ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે, તમારે તો મોડું આવવાનું રોજનું છે. મેં ગાળો બોલવાની ના પાડતા તેમણે લાકડાના ડંડા વડે મારા પર હુમલો કરી માથામાં મારતા હું બેભાન થઇ ગયો હતો. એસ.આર.પી.ની એમ્બ્યુલન્સમાં મને કોઇ હોસ્પિટલ લઇ ગયું હતું.