પીડિતાનું કોર્ટમાં સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન લેવાયું
વર્ષોથી મંદિરે દર્શન કરવા આવતા ૧૭ ભક્તોના નિવેદન નોંધતી પોલીસ
વડોદરા,વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગતપાવનદાસ સામે દુષ્કર્મની ફરિયાદના છ દિવસ પછી પીડિતાનું કોર્ટમાં સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન આજે લેવાયું હતું. જોકે, હજી જગતપાવનદાસ સ્વામીનો કોઇ પતો લાગ્યો નથી.
માત્ર ૧૪ વર્ષની ઉંમરે દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગતપાવનદાસ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૃમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.
આઠ વર્ષ જૂના બનાવની તાજેતરમાં ફરિયાદ નોંધાઇ હતી. આજે પીડિતાએ કોર્ટમાં સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન લેવાયું હતું. ગઇકાલે પોલીસ દ્વારા મંદિરમાં વર્ષોથી દર્શન માટે આવતા ભક્તોના નિવેદન લેવાનું શરૃ કર્યુ હતું. ગઇકાલે માત્ર બે વ્યક્તિઓએ નિવેદન નોંધાવ્યા હતા. આજે ૧૭ ભક્તોએ તૈયારી બતાવતા પોલીસે તેઓના નિવેદનો લીધા છે. પોલીસે સ્વામની વર્તણૂંક બાબતે પૂછપરછ કરી હતી. તેમજ સ્વામી હાલમાં ક્યાં છે ? તે અંગે પણ પૂછપરછ કરી હતી. પરંતુ, ભક્તોને તે અંગેની કોઇ જાણકારી નહતી.