આરોગ્ય શાખાની ગ્રાન્ટનું ઓડિટ કરવા સ્થાયી સમિતિના સૂચનનો છેદ ઉડયો
કોર્પોરેશનની બજેટલક્ષી સામાન્ય સભામાં
સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનું ઓડિટ થતું હોવાથી મહાનગરપાલિકા ફરીથી ઓડિટ કરે તે યોગ્ય નથી : મેયર
ગાંધીનગર : કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા ડ્રાફ્ટ બજેટને સુધારા સાથે મંજૂર કરવામાં આવ્યું તેમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા હતા જેમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગને આપવામાં આવતી ગ્રાન્ટોનું ઓડિટ કરવા પણ સૂચન કર્યું હતું. જેને આજે બજેટલક્ષી સામાન્ય સભામાં કાઢી નાખવામાં આવ્યું હતું. આ ગ્રાન્ટનું સરકાર કક્ષાએથી ઓડિટ થતું હોવાથી ફરીથી ઓડીટ કરવાનું કોઈ મતલબ નથી તેમ મેયર દ્વારા જણાવાયું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી
પાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ આરોગ્ય શાખાને રૃપિયા
ફાળવવામાં આવતા હોય છે. જોકે કોર્પોરેશનમાં તમામ શાખાઓમાં ફાળવવામાં આવતી
ગ્રાન્ટનું ઓડિટ કરવામાં આવતું હોય છે પરંતુ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આપવામાં
આવતી આરોગ્ય શાખાની ગ્રાન્ટનું ઓડિટ થતું નહીં હોવાથી સ્થાયી સમિતિ દ્વારા આ
વર્ષનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરવાની સાથે સૂચન કરવામાં આવ્યું હતું કે, આરોગ્ય શાખાને
ફાળવવામાં આવતી ગ્રાન્ટનું પ્રિ ઓડિટ કરાવવામાં આવે અને ત્યારબાદ પાંચ લાખથી વધુની
કોઈ ખરીદી કરવાની હોય તો તે દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે મૂકવામાં આવે.
જોકે આજે મળેલી સામાન્ય સભામાં સ્થાયી સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા આ સૂચનનો
છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો અને મેયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્ય વિભાગને
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે એટલે સરકાર દ્વારા જ તેનું
ઓડિટ કરવામાં આવી રહ્યું છે. રાજ્યની અન્ય કોઈ મહાનગરપાલિકામાં આરોગ્ય શાખાની
ગ્રાન્ટના ઓડિટની જોગવાઈ કરવામાં આવી નથી. એટલું જ નહીં સરકાર જ ઓડિટ કરી દેતી
હોવાથી કોર્પોરેશન દ્વારા ફરીથી ઓડિટ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. ત્યારે આ મામલે
વિપક્ષનેતા દ્વારા સભામાં પૂછવામાં આવ્યું હતું કે,જો આ પ્રકારની કોઈ જોગવાઈ જ નથી તો સ્થાયી સમિતિ દ્વારા કયા
આધારે આ સૂચન મૂકવામાં આવ્યું હતું તેનો ખુલાસો કરવામાં આવે.