ચાંદોદમાં માતાના અસ્થિ વિસર્જન કરવા ગયેલો પુત્ર નદીમાં તણાઇ ગયો,પિતાને બચાવવા પુત્ર કૂદતાં તે બચી ગયો
વડોદરાઃ ચાંદોદમાં માતાના અસ્થિ વિસર્જન કરવા માટે ગયેલો પુત્ર નદીના વહેણમાં તણાઇ જતાં તેની શોધખોળ માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,આજવારોડના માધવનગરમાં રહેતા અને વોચમેન તરીકે નોકરી કરતા ધનસુખભાઇ સરવૈયા(૬૦)ના માતાનું અવસાન થયું હોવાથી તેઓ પુત્ર સાથે ચાંદોદ અસ્થિ વિસર્જન માટે ગયા હતા.
નદીનું વહેણ વધુ હોવાથી અસ્થિ વિસર્જન કરવા જતાં તેઓ તણાઇ ગયા હતા.જેથી તેમને બચાવવા માટે પુત્રએ કૂદકો માર્યો હતો.પરંતુ તે પણ ડૂબવા માંડતા હાથમાં દોરી આવી ગઇ હતી અને બચી ગયો હતો.
ધનસુખભાઇના એક સબંધીએ કહ્યું હતું કે,એક નાવિકે તેમનો હાથ પણ પકડી લીધો હતો.પરંતુ વહેણ વધુ હોવાથી હાથ છૂટી ગયો હતો અને ત્યારબાદ ધનસુખભાઇ અદ્શ્ય થઇ ગયા હતા.તેમને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડ કામે લાગ્યા હતા.પરંતુ મોડી સાંજ સુધી પત્તો લાગ્યો નહતો.