વડોદરાની ધમની બહેને કાલાવાડના ખેડૂતનો વીડિયો ઉતારી 27 લાખ પડાવી લીધા
વડોદરાઃ જામનગરના કાલાવાડ ખાતે રહેતા એક ખેડૂત સાથે ફેસબુક પર બહેન તરીકે વાતચીત કરનાર વડોદરાની મહિલાએ બ્લેકમેઇલ કરી રૃ.૨૭ લાખ ખંખેરી લેતાં ખેડૂતે કાલાવાડ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને પકડયો હતો.પરંતુ કાલાવાડ પોલીસે તેની સંડોવણી નહિં જણાતાં છોડી દીધો છે.
કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ૧૫ દિવસ પહેલાં ૫૮ વર્ષીય ખેડૂતે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે,વર્ષ-૨૦૨૦માં વડોદરાની કવિતા નામની મહિલાએ ફેસબુક પર મેસેજ મોકલતાં વાતચીત થઇ હતી અને ત્યારબાદ અમે ભાઇ-બહેન તરીકે વાત કરતા હતા.
આ દરમિયાન કવિતાએ નોકરી છૂટી ગઇ છે તેમ કહી મારી પાસે રૃ૩ હજાર લીધા હતા.ત્યારબાદ તેણે દીકરીને બિમારી છે તેમજ તેને પણ ગંભીર બિમારી છે તેમ કહી રૃ.૧૧લાખ પડાવ્યા હતા.આ રકમની માંગણી કરતાં મહિલાએ કહ્યું હતું કે,જો મને બીજા રૃપિયા નહિં આપો તો મારી પાસે તમારો બાથરૃમનો વીડિયો છે,તે વાયરલકરી દઇશ.
ખેડૂતે કહ્યું છે કે,મેં ત્યારબાદ વધુ રકમ આપી હતી.પરંતુ ત્યારપછી પણ કવિતાએ રૃપિયા નહિં આપે તો આપઘાત કરી લઇશ તેવી ધમકી આપવા માંડતા મિત્રો અને સબંધીઓના સહકારથી પોલીસ ફરિયાદ કરી હતી. આ ગુનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કવિતાના કહેવાતા મદદગારની અટકાયત કરી જામનગર પોલીસને જાણ કરી હતી.જો કે કાલવાડ પોલીસના સૂત્રોએ કહ્યું હતું કે,આ આરોપીની સંડોવણીના કોઇ પુરાવા નહિં મળતાં તેને હાલપુરતો જવા દીધો છે.