ભાજપના પ્રદેશ પ્રમુખની વિકાસની વાતોમાં સરપંચે પંચર પાડ્યું, પાટીલે જિલ્લા પ્રમુખને આડે હાથ લીધા
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણ દરમિયાન પ્રદેશ પ્રમુખના વિકાસલક્ષી વાતોના સંબોધન દરમિયાન ભાજપના એક સરપંચે ગામમાં સ્કૂલ બનતી નહિં હોવાથી વિદ્યાર્થીઓને પાંચ કિમી દૂર જવું પડતું હોવાની રજૂઆત કરતાં સોપો પડી ગયો હતો. વડોદરા નજીક કપૂરાઇ પાસે નવા બનેલા જિલ્લા ભાજપના કાર્યાલયના લોકાર્પણ દરમિયાન પ્રદેશ પ્રમુખ સંબોધન દરમિયાન વિકાસની વાતો કરી રહ્યા હતા તે દરમિયાન એકાએક ભાજપનો ખેસ ધારણ કરેલ વડોદરા પાસેના ખટંબા ગામના સરપંચ કમલેશ વાળંદ આવી ગયા હતા અને અમારા ગામની સ્કૂલ ક્યારે બનશે તેની રજૂઆત કરતાં પ્રમુખે સંબોધન રોકવું પડયું હતું.
સરપંચે કહ્યું હતું કે,છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે પણ અમારા ગામની સ્કૂલ હજી બનતી નથી.એક વર્ષથી અમારા બાળકોને પાંચ કિમી દૂર બાપોદની સ્કૂલમાં જવું પડે છે.કમલમ બને તેની સામે કોઇ વાંધો નથી, પણ અમારી સ્કૂલ પણ બનવી જોઇએ.એક તબક્કે પ્રમુખ છેડાઇ ગયા હતા અને તમારું કામ થઇ જશે કહ્યું ને..તેમ કહી રજૂઆત બંધ કરવા જણાવ્યું હતું.
જો કે સરપંચે રજૂઆત ચાલુ રાખતાં આગેવાનો દોડી આવ્યા હતા અને તેમને સમજાવવા માટે દૂર લઇ ગયા હતા.સરપંચે મીડિયાને કહ્યું હતું કે,પાંચ વર્ષ પહેલાં અમારી સરકારી પ્રાથમિક સ્કૂલમાં ૨૦૦ જેટલા બાળકો હતા.પરંતુ આજે માંડ ૩૮ બાળકો રહ્યા છે.ગામની સ્કૂલ જર્જરીત થવાથી બંધ કરી દેવાતાં વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલોમાં જવાની ફરજ પડી છે.
પ્રદેશ પ્રમુખનો જિલ્લા ભાજપ પ્રમુખને ટોણો,તમે તો શેકેલો પાપડ તોડી શકતા નથી
વડોદરા જિલ્લા ભાજપના કાર્યાલયના લોકાર્પણ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને પણ આડે હાથ લીધા હતા.
ભાજપના કાર્યાલયની તક્તી પર કાર્યાલય બનાવવામાં મુખ્ય યોગદાન આપનાર પૂર્વ પ્રભારી પરાક્રમસિંહ અને પૂર્વ જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલના નામોનો ઉલ્લેખ નહિં હોવાથી તેમજ પત્રિકામાં પણ ધારાસભ્યોની બાદબાકી થઇ હોવાથી કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
પ્રદેશ પ્રમુખે આજે કાર્યાલયના સંબોધન દરમિયાન જિલ્લા પ્રમુખ સતિષ નિશાળિયાને ટોણો મારતાં કહ્યું હતું કે,કાર્યાલયની જમીન અને ખોખું પૂર્વ હોદ્દેદારોએ બનાવ્યા છે.તમે તો રંગરોગાન કર્યું છે.હજી તમે ફંડ લાવી શક્યા નથી.પાપડ પણ તોડી શક્યા નથી.પ્રદેશ પ્રમુખની આ ટકોર ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.