પોઇચાના સરપંચની ધમકી : નવરાત્રીમાં વધારે પૈસા આપવા પડશે નહીં તો કંપની બંધ કરાવી દઈશ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
પોઇચાના સરપંચની ધમકી : નવરાત્રીમાં વધારે પૈસા આપવા પડશે નહીં તો કંપની બંધ કરાવી દઈશ 1 - image

image : Freepik

વડોદરા,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર

સાવલી તાલુકાના પોઇચા રાણીયા ગામે આવેલી કંપનીના જનરલ મેનેજરને નવરાત્રીમાં રૂપિયા વધારે આપવા પડશે જો પૈસા નહીં આપો તો કંપનીનું કામકાજ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપનાર ગામના સરપંચ સામે ફરિયાદ નોંધાઇ છે.

 વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ નિરાંત રેસીડેન્સીમાં રહેતા આકાશ નરહરિભાઈ પટેલ ભાદરવા પોલીસ સ્ટેશનમાં પોઇચા રાણીયા ગામના સરપંચ અશોક રણછોડભાઈ ભોઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું પોઇચા રાણીયા ગામે આવેલી લેકટોઝ કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરું છું. તારીખ 23 ના રોજ રાત્રે હું મારા ઘેર હતો ત્યારે સરપંચ અશોકભાઈનો ફોન આવ્યો હતો. તેણે જણાવેલ કે હિતેશ છગન પટેલનું વીજ કનેક્શન કેમ કાપી નાખ્યું છે એટલે મેં જણાવેલ કે કંપનીના ડીપીમાંથી ગેરકાયદે જોડાણ લીધું હોવાથી કાપી નાખ્યું છે. આ સાંભળી સરપંચે અપશબ્દો બોલવાનું શરૂ કર્યા બાદ ફોન કાપી નાખ્યો હતો.

 બાદમાં બીજા દિવસે સવારે હું કંપનીમાં ગયો ત્યારે કંપનીના અવર જવરના રસ્તા પર હિતેશે ઢોર બાંધી રાખ્યા હતા. એટલે મેં ગાડી ઉભી રાખી તે વખતે સામેના ખેતરમાંથી સરપંચ આવ્યો હતો અને મને ધમકી આપેલ કે લાઈટ કનેક્શન ચાલુ કરી દેજો નહિતર હું કોઈને છોડીશ નહીં, ઘેર જીવતા નહીં જવા દઉં તેવી ધમકી આપી હતી. તેમજ વધુમાં જણાવેલ કે નવરાત્રીમાં કંપની તરફથી વધારે પૈસા આપવા પડશે જો પૈસા નહીં આપો તો હું 50 માણસોનું ટોળું લઈ આવીશ અને પ્રેસ મીડિયાના માણસોને બોલાવી કંપનીનું કામકાજ બંધ કરાવી દઈશ ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News