Get The App

ગરીબ મહિલાઓ માટે ચાલતી 'સાડી બેંક' પૂરના પાણીમાં ધોવાઇ ગઇ, તંત્રએ નોંધ પણ નથી લીધી

ગરીબ મહિલાઓ તેના પ્રસંગોમાં પહેરી શકે તે માટે કિંમતી સાડી, ચણિયા ચોળી અને ડ્રેસ પાંચ દિવસ માટે નિઃશુલ્ક આપતા હતા

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ગરીબ મહિલાઓ માટે ચાલતી 'સાડી બેંક' પૂરના પાણીમાં ધોવાઇ ગઇ, તંત્રએ નોંધ પણ નથી લીધી 1 - image


વડોદરા : ગરીબ મહિલાઓ અને બાળકીઓના ઉત્થાન માટે કાર્યરત આઠ સહેલીઓની સંસ્થા 'અષ્ઠ સહેલી' દ્વારા સ્થાપિત 'સાડી બેંક'માં રાખવામાં આવેલી લાખો રૃપિયાની સાડીઓ, ચણિયા ચોળીઓ અને ડ્રેસ પૂરના પાણીમાં કોહવાઇ જતાં ફેંકી દેવા પડયા છે. ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓના ઘરમાં જ્યારે પ્રસંગ હોય ત્યારે આ સાડી બેંકમાંથી મન પસંદ કપડા લઇ જતી હતી અને પછી જમા કરાવી જતી હતી. આ માટે સાડી બેંક દ્વારા કોઇ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નહતો પરંતુ ગરીબોની આ સુવિધા પુરના પાછીમાં ધોવાઇ ગઇ. તંત્ર દ્વારા લાખો રૃપિયાની સહાય ચુકવવામાં આવી પરંતુ તંત્રને આ સાડી બેંક હજુ સુધી ધ્યાનમાં આવી નથી.

સાડી બેંકના સ્થાપક સભ્યો પૈકી હેમાબેન ચૌહાણ કહે છે કે પાંચ વર્ષ પહેલા અમને વિચાર આવ્યો કે પૈસાપાત્ર મહિલાઓના ઘરમાં કપડા ઉપયોગ વગર જ પડી રહ્યા હોય છે તો તેનો ઉપયોગ ગરીબ મહિલા કરી શકે તેવુ પ્લેટફોર્મ તૈયાર કરીએ અને 'સાડી બેંક'નો જન્મ થયો.  અમારી પાસે જે સાડીઓ હતી તેની કિંમત ૭૦ હજારથી ૧૦ હજાર સુધીની હતી. ડ્રેસ અને ચણિયાચોળીઓ પણ એટલા જ મોંઘા હતા.  બધુ મળીને અમારી પાસે ૧,૫૦૦ કપડાઓ હતા.

ગરીબ મહિલાઓ માટે ચાલતી 'સાડી બેંક' પૂરના પાણીમાં ધોવાઇ ગઇ, તંત્રએ નોંધ પણ નથી લીધી 2 - image

માત્ર ગરીબ જ નહી પણ મધ્યવર્ગની મહિલાઓ પણ અમારી પાસે આવે છે. જે હાજર હોય તે સાડીઓ, ડ્રેસ અને ચણિયાચોળીમાંથી તેની ઇચ્છા થાય તે લઇ જાય છે. અમે તેમની પાસેથી આધારકાર્ડની કોપી અને સામાન્ય ડિપોઝીટ લઇએ છીએ. પાંચ દિવસ માટે કપડા આપીએ છીએ તે કપડા પરત કરે ત્યારે અમે ડિપોઝિટ પરત આપી દઇએ છીએ. દર ૩ મહિને અમે સાડી બેંકના દરેક કપડાનો સ્ટોક ચકાસીએ છીએ તેમાંથી જે સાડી, ડ્રેસ અથવા ચણિયાચોળી લોકો પસંદ કરતા નથી તેનું અમે ફુટપાથ પર રહેતી મહિલાઓ અને યુવતિઓને દાનમાં આપી દઇએ છીએ. જો કે પૂરના પાણીમાં બધુ જ ધોવાણ થઇ ગયું.અમને સરકાર પાસે કોઇ અપેક્ષા નથી પરંતુ ગરીબ મહિલાઓ માટે મદદ કરે તેવી અમારી ઇચ્છા છે.

એક મહિલા દોઢ લાખનું ગાઉન આપી ગયા હતા

હેમાબેન ચૌહાણ કહે છે કે અમારે ત્યાં સૌથી પહેલુ ડોનેશન આવ્યુ તે હતું દોઢ લાખ રૃપિયાનુ ગાઉન. મહિલાએ તેની પુત્રીના લગ્ન વખતે તે ગાઉન ખરીદ્યું હતું પછી ઘરમાં એમ જ પડી રહ્યું હતું તે ગાઉન અમને સાડી બેંક માટે દાનમાં આપ્યુ હતું. તે પછી તો અનેક પૈસાપાત્ર પરિવારો અમને મોંઘી સાડીઓ, ડ્રેસ અને ચણિયાચોળીઓ આપી જાય છે. ખાસ કરીને એનઆરઆઇ લોકો જ્યારે વતન વડોદરામાં પસંગો માટે આવે છે ત્યારે તેઓ જે કપડા ખરીદે છે તે મોંઘા કપડા અહી આપીને જાય છે.


Google NewsGoogle News