આજથી વડોદરાથી અમદાવાદ તરફ જતી ૬૦૦ એસ.ટી.બસનો રૃટ બદલાશે
મોટનાથ મહાદેવ રોડ પર ચાર સ્કૂલો અને સાંકડો બ્રિજ છે : સામાન્ય દિવસોમાં પણ અહંી ટ્રાફિક જામ થાય છે
વડોદરા,સમા તળાવ જંક્શન પર નવા બનતા ફ્લાય ઓવરના કારણે વડોદરાથી અમદાવાદ તરફ જતા વાહન વ્યવહારને અસર થઇ છે. મોટનાથ મહાદેવ વાળા રોડનો નવો રૃટ એસ.ટી.બસો માટે નિર્ધારીત કરવામાં આવ્યો છે. પરંતુ, આ રૃટ પર રોડ સાંકડા છે.ચાર મોટી શાળાઓ છે. આગળ એક સાંકડો બ્રિજ છે. આવા રૃટ પરથી ૬૦૦ બસ દિવસ દરમિયાન પસાર થશે તો ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને તેવી શક્યતા છે.
સમા તળાવ (એબેક્સ) જંક્શન પર નવા ફ્લાય ઓવર બ્રિજની કામગીરી હાલ ચાલુ છે. બે વર્ષ માટે સમા - સાવલી રોડ પર ભારદારી વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેના કારણે ભારદારી વાહનો માટે નવો રૃટ નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ, એસ.ટી. વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસને પત્ર લખી જાણ કરવામાં આવી હતી કે, આ રૃટ પર અમદાવાદ તરફ જતી ૬૦૦ અને હાલોલ ગોધરા તરફ જતી ૪૦૦ બસો દિવસ દરમિયાન દોડે છે. અમિત નગર સર્કલથી મુસાફરો લઇ બસ માણેક પાર્ક સર્કલ થઇ જતી હોવાથી માણેક પાર્ક સર્કલ પાસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. જેથી, રૃટ બદલવા જણાવ્યું હતું.
ત્યારબાદ ટ્રાફિકના અધિકારીઓ તથા એસ.ટી.ના અધિકારીઓએ નવો રૃટ પસંદ કર્યો છે. જેમાં એસ.ટી.બસો અમિત નગર સર્કલથી - સમા સાવલી રોડ તરફ ઉર્મિ સ્કૂલ બ્રિજ પહેલા જમણા હાથે વળી - મેટ્રો હોસ્પિટલ વાળો રોડ - કેન્દ્રીય વિદ્યાલય - મોતીભાઇ સર્કલથી ડાબી બાજુ - હરણી ભીડભંજન હનુમાન મંદિર તરફ - ગદા સર્કલથી ડાબી બાજુ - ડમરૃ સર્કલ - મોટનાથ મહાદેવ મંદિર - સિગ્નસ સ્કૂલ - રાધેશ્યામ પાર્ટી પ્લોટ - સાંકડો બ્રિજ - દુમાડ ચોકડી જશે. અમદાવાદ તરફથી આ રૃટ પર જ બસો પરત આવશે.
ગદા સર્કલથી આગળ ડમરૃ સર્કલ નજીક બ્રાઇટ સ્કૂલ, મોટનાથ મહાદેવથી થોડે દૂર મેન રોડ પર સિગ્નસ સ્કૂલ, ત્યાંથી થોડે આગળ જતા સાંકડો બ્રિજ અને ત્યાંથી થોડે દૂર દિલ્હી પબ્લિક અને ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ છે. આ ઉપરાંત આ રોડ સાંકડો છે. સ્કૂલ છૂટવાના સમયે આ રોડ પર અવાર - નવાર ટ્રાફિક જામ થતો હોય છે. આ રૃટ પરથી ૬૦૦ બસો દોડાવવામાં આવશે તો અફરા તફરીનો માહોલ સર્જાય તેવી શક્યતા છે.
માણેક પાર્ક સર્કલ નજીક
ટ્રાફિક જામના કારણે એરપોર્ટના મુસાફરો પણ અટવાતા હતા
વડોદરા,અગાઉ ભારદારી વાહનો માટે આ રૃટ નિયત કરવામાં આવ્યો હતો.જેમાં વાહનો દુમાડ બ્રિજથી ગોલ્ડન ચોકડી, હરણી રોડ, ગદા સર્કલ,જૂના જકાતનાકા સર્કલ, માણેક પાર્ક સર્કલ થઇ અમિત નગર જવા આવવા માટેનો રૃટ નિયત કરવામાં આવ્યો હતો.અગાઉ નક્કી કરેલા રૃટ પર અવાર - નવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. જેના કારણે એરપોર્ટ પર જનારા મુસાફરો પણ અટવાઇ જતા હતા. ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે, અમારા અધિકારીઓએ તથા એસ.ટી.ના અધિકારીઓએ મળીને સ્થળ વિઝિટ કરીને નવો રૃટ પસંદ કર્યો છે. જો કંઇ ફેરફાર કરવા જેવો લાગશે તો કરીશું.
ગદા સર્કલથી મોટનાથ મહાદેવ રોડ કરતા ગોલ્ડન ચોકડી તરફનો રૃટ પસંદ કરી શકાય
વડોદરા,અમિત નગર સર્કલથી મેટ્રો હોસ્પિટલ જતા વળાંક પર ઢાળ છે. તેમજ આ સ્થળે ડિવાઇડર પણ નથી. તેના કારણે નાના વાહન ચાલકોેને અકસ્માતનો ભય રહે છે. આ રોડ ઉબડ ખાબડ છે. આ રોડ પર પણ કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે. જો આ રોડ પર વ્યવસ્થિત કાર્પેટ કરવામાં આવે તો વાહન ચાલકોને રાહત રહે. નિયત કરેલો રૃટ પર ગદા સર્કલથી મોટનાથ મહાદેવ રોડ તરફ જવા કરતા ગોલ્ડન ચોકડી તરફ ટ્રાફિક ડાયવર્ટ કરાય તો સમસ્યાનું નિવારણ આવી શકે. તેમજ એરપોર્ટના મુસાફરો પણ ટ્રાફિક જામમાં ના ફસાય.