મહિલાના ગળામાંથી અછોડો આંચકીને ભાગી ગયેલા લૂંટારાઓ ઝડપાયા
આરોપીઓ પાસેથી સોનાનો અછોડો અને ગુનામાં વાપરેલી બાઇક કબજે
વડોદરા,સુશેન તરસાલી રોડ પર રાતે જમીને દંપતી ચાલવા નીકળ્યું હતું. આરોપીઓએ પતિને વાતોમાં પરોવી રાખી ગળામાંથી સોનાનો અછોડો આંચકી લીધો હતો. મકરપુરા ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડયા હતા.પોલીસે તેઓની પાસેથી સોનાનો અછોડો તથા બાઇક કબજે લીધા છે.
સુશેન-તરસાલી રીંગ રોડ પર મોતીનગર - ૨ માં રહેતા ૬૮ વર્ષના ઇન્દિરાબેન રામચંદ્ર ભાઇ પટેલ ઘરકામ કરે છે. તેમના પતિ નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૧૩મી તારીખે રાતે સાડા નવ વાગ્યે પતિ - પત્ની જમી પરવારીને ચાલવા નીકળ્યા હતા. દશવાગ્યે સોસાયટીના નાકા પાસે હનુમાનજીના મંદિર પાસે પહોંચતા ત્યાં ત્રણ આરોપીઓ કાળા કલરની બાઈક પર બેઠા હતા. દંપતી ત્યાંથી જતું હતું. ત્યારે બાઇક પર બેસેલા ત્રણ પૈકી એક આરોપીએ ચંદ્રકંાંતભાઇ પાસે આવીને સોસાયટીનું નામ પૂછયું હતું. ચંદ્રકાંતભાઇએ સોસાયટીનું નામ મોતી નગર - ૨ હોવાનું કહ્યું હતું. ચંદ્રકાંતભાઇ આરોપી સાથે વાતો કરતા હતા. તે દરમિયાન આ આરોપીએ ઇન્દિરાબેનના ગળામાંથી સોનાની દોઢ તોલા વજનની પેન્ડલ સાથેની ચેન તોડી લીધી હતી. ચેન તોડીને આરોપી દોડીને દૂર બાઈક પર બેઠેલા તેના બે સાગરિતો સાથે ભાગી ગયો હતો. મહિલાએ ચોર ચોર કરીને બૂમાબૂમ કરી હતી. જેના પગલે લોકો ભેગા થઈ ગયા હતા. પરંતુ આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ચંદ્રકાંતભાઇએ ૧૦૦ નંબર પર કોલ કરતા પોલીસ આવી ગઇ હતી. બનાવ અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રોડ પર ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે દિલદારસિંઘ તૂફાનસિંઘ બાવરી તથા બલમતસિંઘ દર્શનસિંઘ ટાંક (બંને રહે. વારસિયા) તથા એક સગીરને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપી પાસેથી સોનાની ચેન તથા ગુનામાં વાપરેલી બાઇક કબજે કર્યા છે. દિલદારસિંઘ સામે ગાંધીનગરમાં પાંચ અને વડોદરાના વારસિયામાં એક ગુનો દાખલ થયો છે. જ્યારે બલમતસિંઘ સામે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ગુનાઓ દાખલ થયા છે.