ગોત્રીમાં 87 વર્ષીય વૃધ્ધાએ હિંમતપૂર્વક સામનો કરતાં લૂંટારાે દાગીના લૂંટી માળિયે સંતાયો,લોકોએ દબોચી લીધો
વડોદરાઃ ગોત્રી ગામમાં જૂના મકાનમાં રહેતી વૃધ્ધાને ઘરમાં ઘૂસી લૂંટી લેનાર લૂંટારો વૃધ્ધાએ કરેલા સામનાને કારણે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
ગોત્રીના બ્રાહ્મણ ફળિયામાં રહેતા ૮૭ વર્ષીય શાંતાબા પંડયા ગઇકાલે ઘેર હતા ત્યારે એક અજાણ્યો યુવક ઘરમાં ઘૂસી ગયો હતો.શાંતાબા બપોરે આરામ કરવાની તૈયારી કરતા હતા અને દરવાજો બંધ કરતાં જ યુવક રૃમમાંથી બહાર આવ્યો હતા અને શાંતાબાના મોંઢે રૃમાલ અને દોરી બાંધી દીધા હતા.
ત્યારબાદ તે શાંતાબાને છેલ્લા રૃમમાં ઢસડી ગયો હતો અને ગળામાંથી ચેન તેમજ સોનાની બે બંગડી લૂંટી લીધા હતા.જો કે આ દરમિયાન શાંતાબાને કોણી તેમજ હોઠના ભાગે ઇજા થઇ હોવા છતાં તેઓ ડર્યા નહતા અને હિંમત પૂર્વક સામનો કરી બૂમો ચાલુ રાખી હતી.જેથી લોકો બહાર ભેગા થઇ ગયા હતા.
વૃધ્ધાની હિંમતથી ગભરાઇ ગયેલો લૂંટારો અંદરની રૃમના માળિયામાં છુપાઇ ગયો હતો.આ વખતે આસપાસના રહીશો અને નજીકમાં રહેતા વૃધ્ધાના પુત્ર સતિષભાઇ મકાનનો દરવાજો ખોલી અંદર આવી ગયા હતા.કોઇનું માળિયા તરફ ધ્યાન જતાં તેણે બૂમ પાડી હતી અને ટોળાંએ યુવકને ઝડપી પાડયો હતો.લક્ષ્મીપુરાના પીએસઆઇ વિજય પાંડવ અને ટીમે પૂછપરછ કરતાં તેનું નામ મીહિર રણજિતભાઇ ઉર્ફે રંગો પઢિયાર (પાઠક ની ખડકી,ગોત્રી ગામ) હોવાનું ખૂલ્યું હતું.તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
શાકભાજીનો ધંધો કરતો મીહિર દસ દિવસથી વોચ રાખતો હતો,અડધો કલાક છુપાઇ રહ્યો
લક્ષ્મીપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા મીહિર પઢિયારે અગાઉથી લૂંટનો પ્લાન ઘડયો હોય તેને સમર્થન આપતી વિગતો બહાર આવી હતી.૧૯ વર્ષીય વયનો મીહિર શાકભાજીનો ધંધો કરતો હોવાની અને છેલ્લા દસેક દિવસથી વૃધ્ધાના મકાનની આસપાસ આંટા મારતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.ગઇકાલે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં વૃધ્ધાની નજર ચૂકવીને ઘરમાં ઘૂસી ગયો હતો,અને અડધો કલાક સુધી પલંગ નીચે છુપાઇ રહ્યો હતો.જેવી વૃધ્ધાએ મકાનનો દરવાજો બંધ કર્યો તે સાથે જ તે તૂટી પડયો હતો અને લૂંટ ચલાવી હતી.
રંગેહાથ પકડાયેલા મીહિરના પેન્ટમાંથી લૂંટેલી ચેન અને બંગડીઓ મળ્યા
વૃધ્ધાએ જીવની પરવાહ કર્યા વગર બૂમરાણ ચાલુ રાખતાં મીહિર ગભરાઇ ગયો હતો.બહાર લોકો ભેગા થઇ ગયા હોવાથી તે અંદરના રૃમના માળિયા પર સંતાઇ ગયો હતો.વૃધ્ધાના પુત્ર પણ આવી જતાં લોકોએ મકાનમાં તપાસ કરી હતી.ઇજાગ્રસ્ત વૃધ્ધાએ રડતી આંખે લૂંટના બનાવની જાણ કરી હતી.આ દરમિયાન કોઇની નજર માળિયા પર જતાં સંતાઇ ગયેલો મીહિર રંગેહાથ પકડાઇ ગયો હતો.લોકોએ તેની અંગજડતી લેતાં પેન્ટના ખિસ્સામાંથી તૂટેલી ચેન અને બે બંગડી મળી આવ્યા હતા.