મેનપુરાથી બાલાસિનોર સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં
અમદાવાદ-ગોધરા નેશનલ હાઈવે પર
મસમોટા ખાડાઓના લીધે વાહન ચાલકોને હાલાકી તંત્રને ટોલ ટેક્સ વસૂલવામાં જ રસ હોવાના આક્ષેપ
અમદાવાદ-ગોધરા નેશનલ હાઈવે પર મેનપુરાથી બાલાસિનોર સુધીના ૮થી ૧૦ કિલોમીટરના રસ્તા પર મસ મોટા ખાડા પડી ગયા છે. અમદાવાદથી મધ્યપ્રદેશને જોડતો મુખ્ય હાઈવે જ બિસ્માર હાલતમાં હોવાથી નાના-મોટા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ખાડાઓ ઉપરાંત રોડ પર ઘીસીઓ પડી જવાના કારણે અવારનવાર ટુવ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. થોડા સમય પહેલા ટુવ્હીલર લઈને જઈ રહેલા બેંક મેનેજરનો અકસ્માત થતાં તેમનું મોત નિપજ્યું હતું. તંત્ર દ્વારા ભારે રકમનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ ખાડા પુરવામાં આવતા નથી કે રોડની કોઈપણ મરામત કરવામાં આવતી ન હોવાના અને કોન્ટ્રાક્ટરને લાખોની કમાણીમાં જ રસ હોવાના આક્ષેપ વાહન ચાલકોએ લગાવ્યા હતા. ત્યારે રસ્તાનું સત્વરે સમારકામ કરવામાં આવે અને વાહન ચાલકો દ્વારા જે ટોલટેક્સ ભરવામાં આવે છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે.