ઇ મેમોથી બચવા માટે પાદરાના રિક્ષા ડ્રાઇવરની ચાલાકી પકડાઇ,નંબર બદલ્યો તો બીજા રિક્ષાવાળાને મેમો મળવા માંડ્યા

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
ઇ મેમોથી બચવા માટે પાદરાના રિક્ષા ડ્રાઇવરની ચાલાકી પકડાઇ,નંબર બદલ્યો તો બીજા રિક્ષાવાળાને મેમો મળવા માંડ્યા 1 - image

વડોદરાઃ ઇ મેમોથી બચવા માટે પાદરાથી વડોદરા આવતા રિક્ષા ડ્રાઇવરે ચાલાકી કરી પણ તે લાંબી ચાલી નહતી અને પોલીસના  હાથે પકડાઇ ગયો હતો.

પાદરાથી રિક્ષા લઇને વડોદરા આવતા જાવેદ ઐયુબભાઇ વ્હોરા(મહલી તલાવડી, પાદરા,જિ.વડોદરા)એ ઇ રિક્ષાના મેમા ના મળે તે માટે તેની રિક્ષાની નંબર પ્લેટમાં આગળના ભાગે ચાર આંકડામાંથી છેલ્લો ૯ નંબરનો આંકડો કાઢીને ૮ નંબર લગાવી દીધો હતો.

જેથી નવો નંબર બન્યો તે રિક્ષા બોરસદના ફારુકભાઇ વ્હોરા(વાલવોડ ગામ) ની હતી.તેમની રિક્ષા વડોદરામાં આવતી નહિં હોવા છતાં અક્ષરચોક વિસ્તારના વારંવાર ઇ મેમો મળતા હોવાથી શંકા ગઇ હતી.તેમના નંબર જેવી જ રિક્ષા વડોદરામાં ફરતી હોવાથી તેમણે પોલીસ કમિશનરને જાણ કરી હતી.

બોરસદના રિક્ષાચાલકની રજૂઆતને પગલે પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા.તેમણે અક્ષરચોક અને આસપાસના વિસ્તારમાં વોચ ગોઠવી હતી.જે દરમિયાન ટ્રાફિકના હેકો વિજયભાઇ અને અન્ય પોલીસ કર્મીએ ગઇસાંજે મુજમહુડાથી અક્ષરચોકની વચ્ચે ઉપરોક્ત રિક્ષાને પકડી હતી.

પોલીસની તપાસ દરમિયાન પકડાયેલી રિક્ષાની પાછળનો નંબર આરસી બુક પ્રમાણે ઓરિજિનલ હતો.પરંતુ આગળના નંબરના એક આંકડામાં ફેર જણાયો હતો.રિક્ષા ડ્રાઇવરે ઇ મેમોથી બચવા માટે આગળનો નંબર બદલ્યો હોવાની વિગતો બહાર આવતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.


Google NewsGoogle News