Get The App

નર્મદા ભવનમાં ઉંદરોએ કોતરી ખાધેલી પાઇપનું સમારકામ હજી શરૃ થયું નથી

વારંવાર પાઇપ તૂટે પરંતુ સાંધા મારી દેવાતા હતાં ઃ તંત્રની આળસના કારણે અનેક લોકોને હેરાન થવું પડયું

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
નર્મદા ભવનમાં  ઉંદરોએ કોતરી ખાધેલી પાઇપનું સમારકામ હજી શરૃ થયું નથી 1 - image

વડોદરા, તા.2 શહેરના નર્મદા ભવન ખાતે વિવિધ સરકારી કામો માટે સૌથી વધારે લોકોની અવરજવર રહેતી હોય છે. આ સરકારી બહુમાળી ઇમારતમાં આવેલ જનસેવા કેન્દ્રમાં ગઇકાલે ઉંદરોના કારણે તૂટી ગયેલી પાઇપલાઇનનું પાણી ફરી વળ્યા બાદ હજી સુધી કામ શરૃ થયું નથી.

ઉલ્લેખનીય છે કે જનસેવા કેન્દ્રમાં અગાઉ પણ પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હતી અને આ અંગે જ્યારે ફરિયાદ કરવામાં આવે તો શહેર માર્ગ અને મકાન વિભાગનો સ્ટાફ માત્ર સાંધો મારીને જતો રહેતો હતો. આખી પાઇપ બગડી ગઇ હોવા છતાં પણ કાયમી નિકાલ થાય તેવા પગલાં લેવામાં નહી આવતા આખરે ગઇકાલે જનસેવા કેન્દ્રમાં પાણી ભરાઇ જતાં અનેક અરજદારો હેરાન પરેશાન થયા હતાં.

મામલતદાર પૂર્વ દ્વારા શહેર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક પત્ર લખી જાણ કરવામાં આવી હતી કે જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારની સરકારી યોજનાઓના લાભ માટે અરજદારો વધુ પ્રમાણમાં આવે છે. આવા સંજોગોમાં પાણી ભરાતા ઘણી મુશ્કેલી પડે છે. જનસેવા કેન્દ્રમાં વિવિધ દાખલાઓને લગતી અરજીઓનો રેકર્ડ રાખવામાં આવ્યો હોવાથી તેને નુકસાન થવાની શક્યતા છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરી ફરીથી આવી ઘટના ના બને તે માટે જરૃરી પગલાં લેવા આવશ્યક છે.

ઉપરોક્ત પત્ર બાદ પણ હજી સુધી પાણી બંધ કર્યા બાદ કામ શરૃ કરવામાં આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉંદરોએ પાઇપને નુકસાન કરતાં પાઇપ નવી બેસાડવી પડશે તેમજ ટાઇલ્સનું પણ કામ કરવું પડશે. આ કામ આશરે ચારથી પાંચ દિવસ સુધી ચાલશે જો કે તેની પાછળ કેટલો ખર્ચ થશે તે હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.




Google NewsGoogle News