Get The App

લોકો પાસે કડક ઉઘરાણી પરંતુ સરકારી કચેરીઓ પાસે જ દંડો ખખડાવાતો નથી વિવિધ સરકારી કચેરીઓની રૃપિયા ૧૩૪ કરોડની વસૂલાત હજી બાકી

સૌથી વધુ પાણી પુરવઠા બોર્ડ, સ્ટેમ્પ ડયૂટી કલેક્ટર તેમજ એમજીવીસીએલ અને એસટીના રૃપિયા બાકી રહે છે

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
લોકો પાસે કડક ઉઘરાણી પરંતુ સરકારી કચેરીઓ પાસે જ દંડો ખખડાવાતો નથી  વિવિધ સરકારી કચેરીઓની રૃપિયા ૧૩૪ કરોડની વસૂલાત હજી બાકી 1 - image

વડોદરા, તા.18 રાજ્ય સરકાર દ્વારા સામાન્ય લોકો પાસેથી વીજળી બિલ, પાણી અને ગટરના બિલો સહિતની ઉઘરાણી કડક રીતે થતી હોય છે અને જો આ રકમ ના મળે તો યેનકેન રીતે તેની વસૂલાત કરવામાં આવે છે પરંતુ વડોદરામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓને અન્ય સરકારી કચેરીઓ પાસેથી જ કરોડો રૃપિયા લેવાના બાકી હોવા છતાં તેની વસૂલાત કરવામાં આળસ રાખવામાં આવતી હોય છે.

થોડા સમય પહેલાં સરકારી વસૂલાતો માટે તંત્ર હરકતમાં આવ્યું હતું પરંતુ ખૂબ ઢીલી નીતિ અપનાવવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓને પ્રાથમિક દ્રષ્ટિએ જુલાઇ-૨૦૨૩ સુધી કુલ રૃા.૧૩૪ કરોડ જેટલી રકમની વસૂલાત બાકી હોવાનું સરકારી રેકર્ડ પર આવ્યું છે. આ વસૂલાતની કામગીરી ઝડપી બનાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે પરંતુ સરકારી કચેરીઓ સામે તંત્ર દ્વારા બહુ કડકાઇ વાપરવામાં આવતી નથી. 

વડોદરામાં આવેલી સરકારી કચેરીઓ પૈકી સૌથી વધુ વસૂલાત રૃા.૩૯૭૦.૬૮  લાખ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગની બાકી છે. ત્યાર પછી લોકો પાસેથી સ્ટેમ્પ ડયૂટી પેટે વસૂલાત માટેની મોટી રકમ સ્ટેમ્પ ડયૂટી નાયબ કલેક્ટરની છે. આ ઉપરાંત સરકારી કાર્યક્રમોમાં ઉપયોગમાં લેવામાં આવતી એસટી બસની સેવા માટેની પણ મોટી રકમ ઉઘરાણીમાં આવે છે. જ્યારે વિવિધ નગરપાલિકાઓ તેમજ અન્ય સરકારી કચેરીઓને વીજપુરવઠો પૂરો પાડતી એમજીવીસીએલની પણ લાખો રૃપિયાની વસૂલાત બાકી છે.

થોડા મહિના પહેલાં સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠયો હતો અને કરોડો રૃપિયાની વસૂલાત ઝડપથી કરવામાં આવે તેવી માંગણી થઇ હતી જેથી તે સમયે દરેક વિભાગને સૂચના પણ આપવામાં આવી હતી પરંતુ બાદમાં સ્થિતિ જૈસે થઇ ગઇ છે.

૨૭૪ ગ્રામ પંચાયતોનું પાણી પુરવઠા બોર્ડનું કરોડો રૃપિયાનું બિલ 

સરકારી વસૂલાતોમાં સૌથી વધુ લેણાં બાકી છે તે સરકારી કચેરી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ છે. આ કચેરી દ્વારા ગ્રામ પંચાયતોને પાણી પૂરુ પડાતું હોય છે. એક ગ્રામ પંચાયતનું બિલ રૃા.૫૦ હજારની આસપાસ બાકી છે. વડોદરા જિલ્લામાં ૬૪૫ ગામોની પંચાયતો પૈકી ૨૭૪ ગ્રામ પંચાયતોને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. તમામ પંચાયતોનું ઓછુ વત્તું બિલ બાકી હોવાથી તેનો આંકડો જુલાઇ માસ સુધી રૃા.૩૯૭૦ લાખ સુધી પહોંચી ગયો છે.

સરકારી કાર્યક્રમો માટે ફાળવાયેલી એસટીની પણ રૃા.૨૬ કરોડની ઉઘરાણી

વડોદરાની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું પણ કરોડો રૃપિયાની રકમનું બિલ વિવિધ સરકારી એજન્સી પાસે બાકી બોલે છે. એસટી દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમો માટે બસોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને વડાપ્રધાનની મુલાકાત હોય ત્યારે એસટી બસોની ફાળવણી વધારે થાય છે. એસટી દ્વારા બસોની વ્યવસ્થા લોકોને લાવવા લઇ જવા માટે કરવામાં આવે છે પરંતુ બાદમાં એસટી દ્વારા તેની વસૂલાત માટે ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે યોગ્ય રિસ્પોન્સ મળતો નથી. એસટીની કુલ રૃા.૨૬.૫૭ કરોડની વસૂલાત બાકી છે.

એમજીવીસીએલ રૃા.૧૫.૮૧ કરોડની વસૂલાત માટે કડક બન્યુ

મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ એટલે કે એમજીવીસીએલની ગોત્રી ખાતે અધિક્ષક ઇજનેરની કચેરીના પણ રૃા.૧૫૮૧.૧૪ લાખના લેણાં બાકી છે. મોટાભાગે નગરપાલિકાઓ પાસેથી રકમ એમજીવીસીએલને વસૂલ કરવાની બાકી છે. આ ઉપરાંત પંચાયતો દ્વારા પણ ચૂકવણી કરવામાં અખાડા કરવામાં આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી એમજીવીસીએલ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને રકમની ચૂકવણી નહી કરતી નગરપાલિકાની સ્ટ્રીટલાઇટના જોડાણો કડ કરી નાંખવામાં આવે છે.



Google NewsGoogle News