વડોદરા જિલ્લાની શિનોર તા.પંચાયતમાં હાર ભાળી ગયેલા અસંતુષ્ટોએ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી
વડોદરાઃ વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ સામે ભાજપના બળવાખોરોએ રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્ત બે જ દિવસમાં પરત ખેંચી લેવામાં આવી છે.
શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચનાબેન રાય સામે ભાજપના ૫ અને કોંગ્રેસના ૩ સભ્યો મળી કુલ ૮ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.જેથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે પ્રદેશના મોવડીઓને રજૂઆત કરવામાં આવી હતી.
જો કે અવિશ્વાસની દરખાસ્ત માટે ખાસ સભા મળે તે પહેલાં જ બળવાખોરોએ દરખાસ્ત પાછી ખેંચી લેતાં ઘી ના ઠામમાં ઘી પડી ગયું છે.
કહેવાય છે કે,બળવાખોરોને ૨ સભ્યોના મત ખૂટતા હતા અને કુલ ૧૦ સભ્યોની સંખ્યા નહિ થતી હોવાથી હાલપુરતી તેમણે પીછેહઠ કરી છે.બળવાખોર સભ્યોનું કહેવું છે કે,અમારી રજૂઆત પ્રમુખના મનસ્વી વહીવટ સામે હતી.અમને મધ્ય ગુજરાતના પ્રભારી દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે.જેથી દરખાસ્ત પાછી ખેંચી છે.