લાભ પાંચમથી ટેકાના ભાવે પાકોની ખરીદીનો પ્રારંભ થશે
- આણંદ જિલ્લાના ખેડૂતોએ તા. 31 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે
આણંદ : આણંદ જિલ્લામાં ખરીફ પાકોનું લઘુતમ ટેકાના ભાવે લાભ પાંચમથી ખરીદી કરવામાં આવશે. જે માટે ખેડૂતોએ તા.૩૧ ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આણંદ જિલ્લામાં ખેડૂતોને પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. દ્વારા ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૨૪-૨૫માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની સીધી ખરીદી કરવામાં આવશે. તેમજ બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦નું બોનસ આપવામાં આવશે. જેથી લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ એટલે કે તા. ૬ નવેમ્બરથી તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવશે.