ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો ઊભાં કરવાની દરખાસ્ત સ્થાયીમાં મુલતવી રહી
દરખાસ્ત પર વધુ અભ્યાસ અને ચર્ચાવિચારણા બાદ નિર્ણય લેવાશે ખાનગી કંપનીે ૨૦ સ્ટેશનો ઊભા કરવા તૈયારી બતાવી છે
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં શહેરમાં ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટેની દરખાસ્ત રજૂ થઈ હતી, જે વધુ ચર્ચાવિચારણા અને અભ્યાસ અર્થે મુલતવી રાખી હતી.
ચાર્જિંગ૨ સ્ટેશનો મુદ્દે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી વધુ વિગતો એકત્રિત કરીને કોર્પોરેશનને કઈ રીતે વધુ ફાયદો થાય અને ઈલેકટ્રિક વ્હીકલ્સની નીતિને પ્રોત્સાહન મળે તેની ચર્ચા બાદ દરખાસ્ત એજન્ડા પર પુનઃ લેવાશે તેમ જાણવા મળ્યું છે.
કેન્દ્ર સરકારની ઈલેકટ્રિક વ્હીકલ પ્રોત્સાહન યોજના અંતર્ગત વડોદરામાં ૧૦૦ થી વધુ ઈલેકટ્રિક બસ દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખાનગી ઈલેકટ્રિક વાહનો પણ ઉત્તરોત્તર વધી રહ્યા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં પબ્લિક ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરૃ કરવા માટે રસ ધરાવતી કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી તા.૭ સુધીમાં ઓફરો મગાવી હતી.
ઈલેકટ્રિક વ્હીકલ પ્રોત્સાહન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર પણ કોર્પોરેશનને સહાય કરનાર છે.
શહેરમાં ખાનગી ઈલેકટ્રિકલ વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કોર્પોરેશને રસ ધરાવતી વિવિધ કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી ઈલેકટ્રિક વાહનો માટે ૩૮ સ્થળોે પબ્લિક ઈલેકટ્રિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવા ઓફરો મગાવી હતી. આ કામ પીપીપી ધોરણે કરાશે. જેમાં ૧૦ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની પણ જવાબદારી જે તે સંસ્થાને સોંપવામાં આવશે.
ઈલેકટ્રિકલ વ્હીકલોનો ઉપયોગ વધારવા કોર્પોરેશનની વિવિધ જગ્યા પર રેવ્યૂ શેરિંગ મોડલ આધારિત ઈલેકટ્રિકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે. અટેલ (અદાણી ટોટલ એનર્જીસ ઈ-મોબિલિટિ લિ.) દ્વારા શહેરમાં બ્રીજની નીચે, અતિથિગૃહો, નગરગૃહો, ગાર્ડન, તળાવ, સ્ટેશન, સિટિ બસ સ્ટેન્ડ, અકોટા સ્ટેડિયમ વગેરે બહાર પાર્કિંગની જગ્યા તથા અન્ય જગ્યા પર પ્રાથમિક સર્વે આધારિત ૨૦ થી વધુ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા દરખાસ્ત કરાઈ છે. જેનું ૧૦ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ આ કંપની કરશે.
ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના ૧ યુનિટ દીઠ દોઢ રૃપિયો પ્રથમ ૬ વર્ષ માટે અને ત્યારબાદ એક યુનિટના બે રૃપિયા બાકીના વર્ષો માટે કોર્પોરેશનને રેવન્યૂ શેરિંગ પેટે આપવા તૈયારી બતાવી છે. કુલ વીજ વપરાશ બિલ પણ અટેલ દ્વારા ભરાશે. આમાં કોર્પોરેશનને કોઈ ખર્ચ થશે નહીં.