દંતેશ્વરમાં સંપાદિત જમીનનું વળતર ચૂકવવાની દરખાસ્ત મુલતવી રહી
અરજદારે ૨૦૧૩ની જંત્રીના બમણા દર મુજબ જમીનનું ૫.૪૬ કરોડ વળતરની માગણી કરી છે
વડોદરા,દંતેશ્વર વિસ્તારમાં વડોદરા મ્યુનિ. કોર્પોરેશને સંપાદિત કરેલી જમીનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ હાઈકોર્ટે તા.૧૯ ડિસેમ્બર પહેલા સ્થાયી સમિતિને નિર્ણય લેવા તેની જાણ કરવા કહ્યું હતું. આજરોજ સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત વધુ અભ્યાસ માટે મુલતવી કરવામાં આવી હતી.
દંતેશ્વરમાં રોડ લાઈનમાં કપાત થતી જમીન માટે અરજદારે ૫.૪૬ કરોડ વળતર માગ્યું હતું. અગાઉ રોડ લાઈનની ૧૪૮૨ ચો.મી. જમીનનું અરજદારને ૧૩.૪૮ લાખ અને ૫૩૭૩ ચો.મી. જમીનનું ૪૮.૮૯ લાખ વળતર અપાયું હતું. આ વળતર ૨૦૧૧ પહેલા જંત્રી ઓછી હતી ત્યારનું હતું.
હવે જંત્રીમાં વધારો થતા અરજદારે સર્વે નં. ૩૯૫ની રોડ લાઈનમાં કપાતી જમીનનું નવી જંત્રી મુજબ ૫.૪૬ કરોડ વળતર માગ્યું છે. વર્ષ ૨૦૧૧ પહેલાં જંત્રીનો ભાવ ચો.મી. દીઠ ૧૯૦ હતો અને આ જમીન સંપાદન વર્ષ ૨૦૧૧ પહેલાં થયું હોવાથી ૫.૫૦ લાખ જ ચૂકવવાના થાય છે.
આમ છતાં અરજદારે નવી જંત્રી મુજબ ચૂકવણું કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્રણ વર્ષ અગાઉ આ દરખાસ્ત રજૂ થઈ ત્યારે આટલું બધું વળતર ચૂકવવાનું થતું હોવાથી વિપક્ષે વિરોધ કરતા દરખાસ્ત પેન્ડિંગ રાખી હતી.
દંતેશ્વરમાં ૪૦ મીટર રીંગ રોડથી ૩૬ મીટર સુધી રેવન્યૂ સર્વે નં. ૪૦૨ થી ૩૫૧ સુધી ૧૮ મીટર રોડ લાઈન મંજૂર થઈ છે. જમીનના વળતર માટે અરજદારોએ અરજી કરી હતી. જેમાં એક અરજદારે ૨૦૧૩ની જંત્રીના બમણા એટલે કે જંત્રીનો પ્રતિ ચો.મી. ભાવ ૯૫૦૦ છે તેના બમણા માગ્યા છે એટલે કે ૨૮૭૮ ચો.મી.ના ૫.૪૬ કરોડ ચૂકવવાના થાય છે.