વડોદરા: ખટંબામાં ઢોરવાડો બનાવવાની દરખાસ્ત કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં હજુ અનિર્ણિત
જરૂરી ફેરફાર કરીને ખટંબામાં એક એકર જમીનમાં 650 ઢોર રાખી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે
શહેરમાં જે જગ્યા સૌથી વધુ ઉપયોગી થશે ત્યાં ઢોરવાડો બનશે
વડોદરા, તા. 04 ડિસેમ્બર 2023 સોમવાર
વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર ૧૩ માં અગાઉ જ્યાં સરદાર પટેલ માર્કેટ હતું અને તે પણ ટ્રાફિકના ભારણના લીધે વડોદરા શહેરની બહાર ખસેડવામાં આવ્યા બાદ હવે ત્યાં કોર્પોરેશન દ્વારા ઢોરવાડો બનાવવાની હિલચાલ શરૂ થતા તેનો વિરોધ શરૂ થયો છે. આ વિસ્તારમાં કોંગ્રેસના કાઉન્સિલરે પણ આ મુદ્દે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર કહે છે કે ઢોર પકડવાની રોજબરોજની કામગીરી થઈ રહી છે. સ્ટેન્ડિંગ સમિતિમાં ઢોર વાડો બનાવવાની એક દરખાસ્ત પેન્ડિંગ છે, ત્યારે વૈકલ્પિક જગ્યા શોધવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જે બે ત્રણ જગ્યા શોધી છે તેમાં એક આ પણ છે, પરંતુ સ્થાનિક કાઉન્સિલરે પણ આ મુદ્દે અમારું ધ્યાન દોર્યું છે. આમ છતાં જે જગ્યા સૌથી વધુ ઉપયોગી થશે ત્યાં ઢોરવાડો બનાવવામાં આવશે. દરમિયાન સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ એ પણ કહ્યું હતું કે ગુજરાત સરકારની કેટલ પોલીસીના અનુસંધાનમાં કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરીમાં વેગ લાવવામાં આવ્યો છે. જે ઢોર પકડીને લાવવામાં આવે છે, તેને રાખવા માટેની પણ વ્યવસ્થા રાખવી પડે. સ્થાનિક કોર્પોરેટરે કેવડા બાગ પાસેની જગ્યા અંગે ધ્યાન દોર્યું છે, ત્યારે યોગ્ય વિચાર કરીને વૈકલ્પિક જગ્યા શોધવામાં આવશે. તેમણે કમ્પાઉન્ડ સાથેનો પ્લોટ કે જ્યાં કોઈ વિરોધ ન હોય તે અંગે ધ્યાન દોરવા અનુરોધ કર્યો છે, જેથી કરીને ત્યાં ઢોર રાખવાની વ્યવસ્થા ઊભી કરી શકાય. ખટંબામાં ઢોરવાડો બનાવવાની દરખાસ્ત પેન્ડિંગ છે. તેમાં પણ જરૂરી ફેરફાર કરીને જલ્દી ખટંબામાં ઢોરવાડો બને તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે. અહીં એક એકર વિસ્તારમાં 650 ઢોર રાખી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.એ અગાઉ સ્થાનિક કોર્પોરેટરે વિરોધ કરતા જણાવ્યું હતું કે આ ઢોર વાડો વડોદરા શહેરની મધ્યમાં ના જ થવો જોઈએ, તેવી સ્થાનિક રહીશોની માગણી છે. જો ઢોર વાડો ઉભો થશે તો ત્યાં અસહ્ય ગંદકી ઉભી થશે માટે આ નિર્ણય રદ કરવા તેમણે કમિશનરને પત્ર પણ લખ્યો હતો.